Ranip husband suicide case: અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ આપઘાત કરી લીધો છે. મૃતક પતિ આશિષ સોનીગરા પર તેની પત્ની અમિષા દ્વારા ગુજારવામાં આવતા અત્યાચારનો એક ઓડિયો સામે આવ્યો છે, જેણે આ સમગ્ર ઘટનાને નવો વળાંક આપ્યો છે.
આ ઓડિયો ક્લિપમાં પત્ની અમિષા તેના પતિ આશિષને ‘અત્યારે જ મરી જા’ કહેતી સ્પષ્ટ સંભળાય છે. આ ઉપરાંત, તે તેના પતિને રૂમમાં બંધ કરી દેતી હતી અને તેને જમવાનું અને પાણી પણ આપતી ન હતી. પતિ આજીજી કરતો રહ્યો, પરંતુ નિષ્ઠુર પત્નીને જરા પણ ફરક પડ્યો નહીં. એવો પણ આરોપ છે કે પત્ની તેના પતિના ચરિત્ર પર શંકા કરીને સતત ત્રાસ આપતી હતી.
મરતા પહેલાં, આશિષે તેની પત્ની અમિષાના અત્યાચારનું ઓડિયો રેકોર્ડિંગ કરીને તેના મિત્રને મોકલ્યું હતું, જે હવે પોલીસ પાસે છે. મૃતક આશિષના પિતાએ પણ પોતાની પુત્રવધૂ પર અત્યાચારના આક્ષેપ કર્યા છે.
ઓડિયો ક્લિપની તપાસ બાદ રાણીપ પોલીસે કડક કાર્યવાહી કરી છે અને મૃતક આશિષની પત્ની અમિષા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ઘરેલું હિંસા માત્ર સ્ત્રીઓ પર જ નહીં, પરંતુ પુરુષો પર પણ થઈ શકે છે.