હોસ્પિટલ, ધાર્મિક સ્થળ અને ન્યાયાલયના 100 મીટરમાં ફટાકડા ફોડી શકાશે નહી. ઓનલાઈન ફટાકડા ખરીદવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ સાથે જ ગીચ વિસ્તારો, પેટ્રોલ પંપ પાસે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામનો અમલ 9થી 19 નવેમ્બર સુધી રહેશે.
દિવાળીના તહેવારોમાં ફટાકડાં ફોડવાના મુદ્દે હજુ રાજ્ય સરકારે કોઇ નિર્ણય લીધો નથી પણ રાજ્ય ગૃહવિભાગે જાહેર નામુ બહાર પાડીને જાહેરમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં ફટાકડાં વિદેશથી આયાત કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવા સૂચના આપી દેવાઇ છે. સુપ્રિમ કોર્ટના આદેશનું કડકપણે પાલન થાય તે માટે પોલીસને આદેશ કરાયો છે. આમ રાજ્ય સરકાર ફટાકડા મુદ્દે હજુ નિર્ણય લેવાયો નથી એવું કહે છે ત્યારે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને અવઢવ પેદા કરી દીધી છે.