અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 326 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે નવ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે.

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના પ્રાઈવેટ બેડમાં 396 ICUમાં જ્યારે 190 દર્દીઓ વેંટીલેટર પર છે. અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે. થલતેજ, બોડકદેવ, ગોતા અને જોધપુર વોર્ડમાં કોરોનો કહેર છે.

નવરંગપુરાના અનલ ટાવરમાં સંક્રમણ વધતા 793 રહીશોને નિયંત્રિત ઝોનમાં રખાયા છે. શારદાબેન હોસ્પિટલમાં 57 પ્રસુતાઓ કોરોના પોઝિટીવ આવતા સગર્ભા મહિલાઓને સારવાર માટે એલજી, વીએસ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.

નોંધનીય છે કે, રાજયમાં દિવાળી બાદ કોરોનાનો કહેર થંભવાનું નામ નથી લઈ રહ્યો. રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 1 હજાર 540 કેસ નોંધાયા હતા. જે કેસ નોંધાયા જેમાં 843 કેસ આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં જ નોંધાયા હતા.

રાજયમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક વધીને 2 લાખ 1 હજાર 949 પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજયમાં વધુ 14 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં નવ, સુરત શહેરમાં બે, વડોદરા, અમદાવાદ જિલ્લા અને બોટાદમાં એક એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે.

રાજયમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 3 હજાર 906 પર પહોંચ્યો છે. કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન 1 હજાર 283 દર્દી ડીસ્ચાર્જ થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 83 હજાર 756 પર પહોંચી છે.