MLA મેવાણી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ડખો, કાર્યકરોના વિરોધને કારણે બદલવું પડ્યું બેઠકનું સ્થળ
MLA Jignesh Mevani: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે.

- જીજ્ઞેશ મેવાણીને કાર્યકરોના વિરોધને કારણે સ્થળ બદલવું પડ્યું.
- મેવાણી માત્ર એક ઉમેદવાર સાથે પ્રચાર કરવા મજબૂર થયા.
- અમિત ઠાકરે વેજલપુરમાં 'ચંડોળા' જેવી સ્થિતિ ન બનવા દેવાની ચેતવણી આપી.
- સી.આર. પાટીલે કોંગ્રેસ પર મહિલા સશક્તિકરણ બિલ વિરોધનો આરોપ મૂક્યો.
MLA Jignesh Mevani: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસના જ કાર્યકરોના વિરોધને પગલે ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે બેઠકનું સ્થળ બદલવાની ફરજ પડી હતી. 18 એપ્રિલે જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે આવવાના હતા. જે માટે અગાઉ આઈ.ઓ.સી.રોડ પર આવેલા સ્નેહપ્લાઝામાં કરિશ્મા એવેન્યુમાં મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓના વિરોધના કારણે જગ્યા બદલી હેમાંગી ફલેટના કોમનપ્લોટમાં રાખવામાં આવી હતી. તેમજ પ્રચારમાં કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર સુબોધ કુમુદ જ જોવા મળ્યા હતા. પેનલના અન્ય ઉમેદવારો પણ પ્રચારમાં હાજર રહ્યા નહતા. જેથી સ્ટાર પ્રચારકે માત્ર એક ઉમેદવાર સુબોધ કુમુદ અને અન્ય કાર્યકર્તાઓને સાથે રાખીને પ્રચાર કરવો પડ્યો હતો.
ચાંદખેડામાં MLA જીજ્ઞેશ મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો ઉભો થયો છે. પ્રચાર માટે ચાંદખેડા પહોંચેલા મેવાણી સાથે કોંગ્રેસના જ 3 ઉમેદવાર જોડાયા ન હતા. મેવાણીએ સુબોધ મુકુદને લઈને એકલો પ્રચાર કર્યો હતો. પેરાશૂટ ઉમેદવારને લઈ કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે. મેવાણી જ્યાં બેઠક કરવાના હતા તે સ્થળે કાર્યકરોએ તાળું માર્યું હતું. મેવાણીએ કાર્યકરોના વિરોધને લઈ બેઠકનું સ્થળ બદલવું પડ્યું હતું. ચાંદખેડાની બજારમાં પ્રચાર માટે નીકળેલા મેવાણીની પરિસ્થિતિ હાસ્યાસ્પદ બની હતી. પોતાને આક્રમક ગણાવતા મેવાણીની કોંગ્રેસના જ ઉમેદવારોએ ફજેતી કરી હતી. ત્રણ ઉમેદવારો પ્રચારમાં ન જોડાતા મેવાણીનું સૂરસૂરયું થયું હતું. ચાંદખેડાથી રાજશ્રી કેસરી, વર્ષા કટારા, સુધીર પટેલ, સુબોધ કોંગ્રેસના ઉમેદવાર છે.
'વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઉં'
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના એક આક્રમક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ વેજલપુર વિધાનસભામાં બીજું 'ચંડોળા તળાવ' નહીં બનવા દે. તેમણે મતદારો સામે સીધો વિકલ્પ મુકતા કહ્યું કે, જેમને ગાર્ડન અને સુવિધાઓ જોઈએ છે તે ભાજપને મત આપે અને જેમને ચંડોળા જેવી સ્થિતિ જોઈએ છે તે કોંગ્રેસને મત આપે. દબાણ કરનારાઓ અને બુટલેગરો સામે લાલ આંખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, તેઓ બુટલેગરો સાથે બેસીને વોટ લેનારા માણસ નથી. ઠાકરે જણાવ્યું કે જે વાતો તેઓ અહીં બોલે છે તે જ વાતો દરેક જગ્યાએ ડર્યા વગર કહેશે. તો જુહાપુરાની પણ અમિત ઠાકરે વાત કરી હતી. જાહેર સભામાં જુહાપુરા અને જોધપુર વિસ્તારની તુલના કરીને અત્યંત આક્રમક નિવેદન આપ્યું. તેમણે મતદારોને સીધો સંદેશ આપતા કહ્યું કે જો તેઓ જુહાપુરાને ચંડોળા જેવું ગીચ અને અવિકસિત રાખવા માંગતા હોય તો કોંગ્રેસ કે AIMIMને વોટ આપે, પરંતુ જો તેને જોધપુર જેવો આધુનિક અને વિકસિત વિસ્તાર બનાવવો હોય તો ભાજપને પસંદ કરે. ઠાકરે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અને AIMIM જેવી પાર્ટીઓ ધર્મના નામે રાજકારણ કરીને જુહાપુરાના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર રોડ, ગટર, પાણી અને લાઈબ્રેરી જેવી તમામ સુવિધાઓ આપવા તૈયાર છે, પણ તે માટે મતદારોએ વિકાસની રાજનીતિને સ્વીકારવી પડશે. જોધપુર અને બોડકદેવના વિકાસના ઉદાહરણો આપીને તેમણે જુહાપુરાના લોકોને આહ્વાન કર્યું કે હવે 25 વર્ષના પછાતપણાને છોડીને ભાજપ સાથે જોડાઈને ચાર ગણો વિકાસ મેળવે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કર્યો પ્રચાર
સુરતના વોર્ડ નંબર 25માં આયોજિત 'ચાય પે ચર્ચા' કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ભાજપના ઝંઝાવાતી પ્રચારનું નેતૃત્વ કર્યું. પાટીલે આક્ષેપ કર્યો કે, જ્યારે ભાજપ સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે બિલ લાવી ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ તેનો સખત વિરોધ કરીને દેશની મહિલાઓને મોટું નુકસાન પહોંચાડ્યું. તેમણે ગર્જના કરી હતી કે દેશની નારીશક્તિ વિપક્ષોના આ કૃત્યને ક્યારેય માફ નહીં કરે અને આગામી દિવસોમાં કોંગ્રેસનો રાજકીય સૂર્યાસ્ત નિશ્ચિત છે.





















