અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન-4માં કેટલીક છૂટછાટો આપી છે. તેમજ રાજ્યના નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વેપાર-ધંધા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે, આ માટે સમગ્ર રાજ્યમાં ઓડ-ઇવન નિયમનું પાલન કરવાનું છે. ત્યારે અમદાવાદમાં પણ આનો અમલ કરાવવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશ્નરે લોકડાઉન 4.0 માટે જાહેરનામું બહાર પાડ્યું છે.


શહેરના નોન કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડમાં એકી-બેકી સંખ્યાના આધારે એકી-બેકી તારીખ પ્રમાણે દુકાનો ખોલી શકાશે. એકી સંખ્યા પોપટી ટેક્ષ નંબર હોય તે દુકાનો એકી તારીખ પર અને બેકી પ્રોપટી ટેક્સ નંબર હોય તે દુકાનો બેકી તારીખોએ ખુલી રહેશે. જોકે, અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીવનજરૂરિયાત સિવાયની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં અમદાવાદ અને સુરતમાં વધુ છૂટછાટ માટે નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે, અમદાવાદ અને સુરતમાં રીક્ષા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાયના જિલ્લાઓમાં રીક્ષા ચલાવવા માટે શરતી છૂટછાટ આપવામાં આવી છે.