AICC convention: આજથી અમદાવાદમાં કોંગ્રેસનું બે દિવસનું અધિવેશન શરુ થયું છે. આ અધિવેશનમાં ભાગ લેવા સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ અમદાવાદ પહોંચી ગયા છે. લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈએ કોંગ્રેસની CWC અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે. અમારા રાષ્ટ્રવાદની નીવ મહાત્મા ગાંધી અને સરદાર પટેલે નાખી હતી.
એટલું જ નહીં અંગ્રેજોને દેશ છોડવા માટે મહાનુભાવોએ મજબૂર કર્યા હતા. સંવિધાનનું સંરક્ષણ એ આજના સમયમાં અમારું મૂળ કર્તવ્ય છે. ગુજરાત દેશભક્તિની ભૂમિ, પવિત્ર સોમનાથની ભૂમિ અને ઉદ્યોગમાં ગુજરાતની બુદ્ધિને અમે નમન કરીએ છીએ. તો બીજી તરફ ટેરિફ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, અમેરિકાએ ભારતના એક્સપોર્ટ પર ટેરિફ લગાવ્યા એનાથી નકારાત્મક અસર થશે. અમારા સાથે રાષ્ટ્રના ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર પણ અમેરિકા સાથે વાત કરે.
તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકાર અમેરિકા સામે ચુપકીદી દાખવી રહ્યું છે. ટેરિફની ભારતના ઉદ્યોગો પર નકારાત્મક અસર થશે. ગુજરાતથી આવનાર વડાપ્રધાને આ બાબતે નેતૃત્વ લેવું જોઈતું હતું. વડાપ્રધાન કેમ ચૂપ છે એ ખબર નથી પડી રહી. ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી દેશવાસીઓને રાહત આપવામાં નથી આવતી. બાંગ્લાદેશના વડાપ્રધાનને આપના PM મળ્યા બાદ પણ ત્યાં અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર જારી છે. અમેરિકા ટેરિફ કે બાંગ્લાદેશ સામે આપણે સકારાત્મક કામ નથી કરી શક્યા. આજે આ તમામ મહત્વના મુદ્દે અમે બેઠકમાં ચર્ચા કરી રહ્યા છીએ.
ગઠબંધન અંગે ગૌરવ ગોગોઈનું નિવેદન
ગૌરવ ગોગોઈએ ગઠબંધન અંગે વાત કરતા કહ્યું કે, જે તે રાજ્યની સ્થિતિ અંગે સ્થાનિક નેતાઓ સાથે બેઠક અંગે નિર્ણયો લેવાશે. આજે અર્થવ્યવસ્થા, શિક્ષા પ્રણાલી સહિતના મુદ્દે ચર્ચા કરાઈ. આજે તમામ નેતાઓની સલાહ લેવામાં આવી રહી છે. થોડા દિવસ પૂર્વે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ જિલ્લા અધ્યક્ષ સાથે બેઠક કરી હતી. રાહુલ ગાંધીએ ગુજરાતને લઈ અમારી સામે લક્ષ્ય મુક્યું છે. અમે ગુજરાતને લઈ ખૂબ ગંભીર છીએ. અમને ગુજરાતના લોકોના આશીર્વાદ મળશે એવો વિશ્વાસ છે. ગુજરાતની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ એકલા નહીં હોય. રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ નેતાઓ ગુજરાત સાથે હશે.