Gujarat Cabinet Expansion: ગુજરાત મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ પહેલાં ગાંધીનગરમાં રાજકીય અને વહીવટી હલચલ તેજ બની છે. આવતીકાલે યોજાનાર શપથવિધિ કાર્યક્રમ માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ વહીવટી વિભાગોમાં નવા મંત્રીઓને સુવિધાઓ પૂરી પાડવા માટે દોડધામ મચી છે. તમામ મંત્રીઓ અને મહેમાનો માટે શાહી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
શપથ સમારોહ માટે શાહી ભોજન પીરસવામાં આવશે
શપથ સમારોહને લઈને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જોરદાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શપથ સમારોહમાં આવનાર 10 હજાર જેટલા મહેમાનો માટે બેઠક વ્યવસ્થા અને ભોજનની જોગવાઈ કરવામાં આવી છે. મહેમાનો માટે શાહી મેનુ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ભોજન સમારંભના મેનુમાં ચુરમાના લાડુ, ફૂલવડી, બટાકા વટાણાનું શાક, વાલનું શાક, પુરી, ગુજરાતી દાળ-ભાત, ફ્રાયમ્સ અને છાશ જેવા પારંપરિક ગુજરાતી વ્યંજનો રાખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામાશપથ ગ્રહણ સમારોહ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ સભ્યોના રાજીનામા લઈ લેવાયા છે. પક્ષના સૂચનથી મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ પોતાના રાજીનામા સુપરત કર્યા છે. સૌથી પહેલાં જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખે આ અંગેની સૂચના આપી હતી. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓના રાજીનામાની યાદી રાજ્યપાલને સોંપવા માટે મળશે.
નવા મંત્રીઓ માટે વહીવટી દોડધામનવા મંત્રીઓને સત્વરે સુવિધાઓ મળી રહે તે માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તેમજ સામાન્ય વહીવટ વિભાગમાં ભારે દોડધામ મચી છે. નવા મંત્રીઓને ઓફિસ, બંગલા અને ગાડી ફાળવવા માટેની તૈયારીઓ તેજ થઈ છે. વહીવટી વિભાગોએ નવા મંત્રીઓને તાત્કાલિક ઓફિસ અને ગાડીઓ મળે તે બાબતને પ્રાથમિકતા આપી છે. સાથે જ, નવા મંત્રીઓને નિવાસસ્થાન (બંગલા) પણ ઝડપથી મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ, જૂના મંત્રીઓને તેમની ઓફિસ, બંગલા, ગાડી અને ઓફિસનો તમામ સર-સામાન જમા કરાવવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. કાલે સવારે સાડા અગિયાર વાગ્યે તમામ નેતાઓને હાજર રહેવા સુચના આપવામાં આવી છે.