અમદાવાદઃ શહેરમાં એક પત્ની પોતાના પતી અને નાની બહેન વિરૂદ્ધ માર મારવાની બાપુનગર પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિને પત્નીની નાની બહેન સાથે પ્રેમ હોય બન્નેએ ભેગા મળીને પત્નીને ઢોરમાર મારી હતી.


મળતી માહિતી મુજબ, પત્ની તેના માતા પિતા સાથે રહેતી હતી કારણ કે પતિ તેની સાથે છૂટાછેડા લેવા માગતો હતો. મહત્ત્વની વાત એ છે કે, પતિ છૂટાછેડા લઈને પત્નીની જ નાની બહેન સાથે લગ્ન કરવા માગતો હતો. જોકે મોટી બહેને આ વાતનો વિરોધ કર્યો હતો. આ જોઈને પતિ પત્નીના ઘરે જઈ તેની નાની બહેન સાથે મળીને તેને પાઈપ વડે માર માર્યો હતો.

પત્નીએ તેની ફરિયાદમાં કહ્યું કે, પતિ હંમેશા તેની સાથે ઝઘડા કરતો હતો અને તે તેની નાની બહેન સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. તેણે કહ્યું કે, તેની નાની બહેન પણ તેની સાથે લગ્ન કરવા ઇચ્છુક છે.

પત્નીએ ફરિયાદમાં કહ્યું કે, શુક્રવારે પતિ તેના ઘરે આવ્યો તો અને તેની સાથે છૂટાછેડા લઈને નાની બહેન સાથે લગ્ન કરવાની વાત કહી હતી. બાપુનગર પોલીસે જણાવ્યું કે, ઘરમાં આ સમયે નાની બહેન પણ હાજર હતી અને તેણે મોટી બહેનને વાળ પકડીને ઢસડી તેને માર મારવા લાગી હતી. તેના પતિએ તેને એવું કહ્યું હતું કે તે છૂટાછેડા નહીં આપે તો તે તેને મારી નાખશે. માર મારવાને કારણે પીડિત મહિલાને લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં પાડોશી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા.

બાપુનગર પોલીસે આ મામલે પતિ અને નાની બહેન વિરૂદ્ધ ફરિયાદ નોંથી આગળની તપાસ હાથ ધરી છે.