અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ પક્ષ પલટો કરતા જોવા મળી રહ્યા છે. હાલના સમયમાં કોંગ્રેસમાંથી ઘણા નેતા અને કાર્યકર્તાઓ પાર્ટી છોડી અન્ય પક્ષમાં જોડાયા છે. જો કે હવે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે. જેમા આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે.
મીશન 2022 માટે કોંગ્રેસે પણ તોડજોડની રણનીતિ અમલમાં મૂકી છે. આમ આદમી પાર્ટીના 10 વધુ હોદ્દેદારો આવતીકાલે કોંગ્રેસમાં જોડાશે. આપ ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રવીણ ઘોરી કોંગ્રેસમાં જોડાશે. ત્યાર બાદ આપ કિશાન સંગઠનના ભરૂચના પ્રભારી કેયૂર પટેલ પણ કોંગ્રેસમાં જોડાશે. આ ઉપરાંત છોટાઉદેપુર આપના મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી જવનિકા રાઠવા, છોટાઉદેપુર આપના જિલ્લા પ્રભારી જયમીન પટેલ સાથે અમરેલી, રાજકોટ, પાટણ, ભાવનગર, જામનગરના આપના કિશાન સંગઠનના જિલ્લા પ્રમુખો પણ કોંગ્રેસમાં જોડાશે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી, નવા સંગઠનની કરી જાહેરાત
જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીજા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લાદવાની ઈચ્છા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે સંગઠન, સમિતિ કે કોઈ પક્ષ કહેશે બાદમાં તેઓ ચૂંટણી લાડવાનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે. આ સાથે જ યુવરાજસિંહ જાડેજાએ નવા સંગઠનની જાહેરાત કરી છે.
યુવરાજસિંહે નવા સંગઠન યુવા નવનિર્માણ સેનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોના અધિકાર માટે યુવા નવનિર્માણ સેના કામ કરશે. તેમણે કહ્યું કે યુવાનોના હક્ક, હિત અને અધિકાર માટે કામ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ.
તેમણે કહ્યું કે તેમનું આ નવું સંગઠન યુવા નવનિર્માણ સેના રાજ્યસ્તરે તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે શિક્ષિત યુવાનોના હક્ક અને અધિકાર માટે કામ કરશે. આ સંગઠન પહેલા વિનંતી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરશે ત્યારબાદ આવેદન આપીને યુવાનોના હક્ક માટે માંગણી કરશે. જો કે એક બાજુ ચૂંટણી લડવાની વાત કરી તો બીજી બાજુ આ નવું સંગઠન બિનરાજકીય હોવાની પણ તેમણે વાત કરી.
કોંગ્રેસે આમંત્રણ પણ આપી દીધું!
યુવરાજસિંહ જાડેજાની આ જાહેરાત અંગે કોંગ્રેસના મીડિયા કન્વીનર હેમાંગ રાવલે કહ્યું કે યુવરાજસિંહે રાજ્યના 40 લાખ બેરોજગારોનો અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે હેમાંગ રાવલે યુવરાજસિંહ જાડેજાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપી દીધું અને કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાણાંઓને ખુલ્લા પાડવા કહ્યું. આ સાથે હેમનગ રાવલે કહ્યું કે આજે 17 એપ્રિલે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે 300 થી પણ વધુ AAP કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે.