અમદાવાદઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના વડા ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસ પર છે. અહીં તેમણે મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે અમેરિકા અને ભારતની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે ઇસ્લામિક આતંકવાદ પર પણ  કડક વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, ભારત આવવું મારા માટે ગર્વની વાત છે. નરેન્દ્ર મોદી એક ચેમ્પિયન છે જે ભારતને વિકાસની દિશામાં આગળ વધારી રહ્યા છે. હું અને ફર્સ્ટ લેડી 8000 માઇલની સફર કરીને અહી પહોંચ્યા છીએ. અમેરિકા હિંદુસ્તાનનો મિત્ર છે, અમેરિકા હિંદુસ્તાનનું સન્માન કરે છે.


આ અગાઉ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પણ તેમની સાથે રહી હતી. આ વચ્ચે એક મહિલાની ચર્ચા થઇ રહી છે જે વડાપ્રધાન મોદી, મેલેનિયા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રેડ કાર્પેટ પર દેખાઇ રહી છે.

વાસ્તવમાં આ મહિલાનુ નામ ગુરદીપ કૌર ચાવલા  છે. ગુરદીપ વડાપ્રધાન મોદી માટે ઇન્ટરપ્રેટરનું (અનુવાદક) કામ કરે છે. ગુરદીપ કૌર હાલમાં અમેરિકન ટ્રાન્સલેટર અસોસિયેશનની  મેમ્બર છે. જ્યારે પણ વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી હિંદીમાં ભાષણ આપે છે તો ગુરદીપ જ તેનું અંગ્રેજીમાં અનુવાદ કરે છે. એટલું જ નહી ગુરદીપ ચાવલા વડાપ્રધાન મોદીની સાથે ભારતમાં પણ વિદેશી નેતાઓના પ્રવાસ દરમિયાન જોવા મળે છે.

1990માં ગુરદીપે ભારતીય સંસદથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ થોડા સમય બાદ તે પોતાના પતિ સાથે અમેરિકા શિફ્ટ થઇ ગઇ. વર્ષ 2010માં  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે તેમની ઇન્ટરપ્રેટર બનીને ભારત પ્રવાસ પર આવી હતી. ગુરદીપ 2014માં મેડિસન સ્ક્વેયર ગાર્ડનમાં આયોજીત મોદીના કાર્યક્રમમાં સામેલ થઇ હતી અને ત્યાં અનુવાદકનું કામ  કર્યું હતું. ત્યાંથી તે મોદીની સાથે ડીસી વોશિંગ્ટન ગઇ હતી જ્યાં મોદી અને ઓબામા વચ્ચે તેમણે ઇન્ટરપ્રેટરનું કામ કર્યું હતુ. ગુરદીપને ઘણી ભાષાઓનું જ્ઞાન છે.