અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. સર્કલ યાર્ડ નંબર-07 પાસે આવેલા કોમન ટોયલેટની દીવાલ પર આ મોબાઈલ મળી આવ્યો છે. સર્કલ યાર્ડ બેરેક નંબર-10 પાસેથી તમાકુ પણ મળી આવ્યું છે. આવી પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર
મહેસાણા: જિલ્લા પંચાયત કચેરીના પાછળના ભાગે હજારોની સંખ્યામા દારૂની ખાલી બોટલ પડેલી જોવા મળતા દારૂબંધીના નિયમના ધજાગરા ઉડ્યા છે. તો બીજી તરફ મહેસાણા જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલ મળવા છતા પંચાયત વિભાગના એક પણ અધિકારી તપાસ અર્થે ન આવતા પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાએ તુલ પકડતા આખરે મહેસાણા પોલીસની ટીમે બોટલો એકઠી કરી જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. હવે સવાલ એ છે કે, જિલ્લા પંચાયત કેમ્પસ દારુની ખાલી બોટલ કોને ફેંકી ? હવે આ અંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને હોદેદારો ચૂપ છે. બીજો સવાલ એ પણ છે જિલ્લા પંચાયત કચેરીમાં સીસીટીવી કેમ બંધ છે. આ ઘટના અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની તપાસ બાદ સામે આવશે કે આખરે આ દારુકાંડમાં કોણ કોણ સામેલ છે.
મહુવા સર્કિટ હાઉસ ખાતે પણ ખાલી બિયરના ટીન મળી આવ્યા
ભાવનગર જિલ્લાના મહુવા સર્કિટ હાઉસ ખાતે ખાલી બિયરના ટીન પડ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે સર્કિટ હાઉસના મેનેજર તેમજ PWDને નોટિસ બજાવી તપાસ હાથ ધરી છે. જાગૃત નાગરિક દ્વારા સર્કિટ હાઉસની અંદર પહોંચી વિડીયો બનાવ્યો હતો પરંતુ અધિકારીઓ તેનો બચાવ કરવા માટે સ્પષ્ટ પણે ઇનકાર કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં દારુબંધીને લઇ વિવાદ છેડાયો છે. સરકારી બાબુઓની જ્યાં અવરજવર થતી હોય ત્યાં જ બિયરના ટીન મળી આવતા વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં દારૂ બંધી હોવાના ખુદ સરકારી સર્કિટ હાઉસ લીરેલીરા ઉડાડી રહ્યું છે. મહુવા સર્કિટ હાઉસમાં ઢગલા બંધ ખાલી બિયર ટીનનો વિડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું. જો કે, સર્કિટ હાઉસની અંદર પાછળના ભાગે સ્ટોરેજ રૂમમાં 10 થી 15 જેટલા ખાલી બિયર ટીનનો ઢગલો હતો, જ્યાં દેશભરમાંથી સરકારી બાબુઓ રોકાણ કરતા હોય છે ત્યાં બિયરના ખાલી ટીન મળી આવ્યા છે. સરકારી વિશ્રાંતિ ગૃહમાં પ્રતિબંધિત ખાલી બિયર ટીનનો ઢગલો થયો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જોકે આ બાબતે ભાવનગરના ડી.એસ.પીએ જણાવ્યું હતું કે હાલ વિડિયોને લઇ તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેમજ સર્કિટ હાઉસના મેનેજર તેમજ પીડબલ્યુડીના અધિકારીને નોટિસ બજાવી તપાસ શરૂ કરી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સર્કિટ હાઉસમાં જ દારૂબંધીના લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવતા સર્કિટ હાઉસમાં રોકાવા આવતા સરકારી બાબુઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે જો પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો રાજનૈતિક પાર્ટીના નેતાઓ ના નામ બહાર આવે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે.