અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં, કોરોનામુક્ત થયેલા જિલ્લામાં પણ કોરોનાની રિ-એન્ટ્રી થઈ રહી છે. હવે ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લો કોરોનામુક્ત રહ્યો છે. ડાંગમાં અગાઉ બે કેસ આવ્યા હતા. જોકે, આ બંને કેસ રિકવર થઈ ગયા છે. તેમજ ઘણાં દિવસથી આ જિલ્લામાં એક પણ કોરોનાના કેસ નોંધાયા નથી.

ડાંગ સિવાય બોટાદ જિલ્લો કોરોનામુક્ત થયો હોવાનું જિલ્લા પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કુલ 56 કેસ હતા જેમાં 1 દર્દી નું મોત થયેલ અને ગઈકાલ સુધીમાં તમામ 55 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જોકે, ગુજરાત સરકારની અખબારી યાદી પ્રમાણે એક કેસ એક્ટિવ બતાવે છે.

અગાઉ તાપી, નવસારી, નર્મદા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ભરુચ જિલ્લા કોરોનામુક્ત બન્યા હતા. જોકે, આ જિલ્લામાં હાલ, કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. હવે અમરેલીમાં 4, તાપીમાં 4, મોરબીમાં 1, પોરબંદરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, નર્મદામાં 2, છોટાઉદેપુરમાં 1 અને પંચમહાલમાં પાંચ એક્ટિવ કેસો છે. જો નવા કેસ નહીં નોંધાય, તો આ જિલ્લા કોરોનામુક્ત થઈ શકે છે.