ODI World Cup 2023 Final: અમદાવાદઃ વન-ડે વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે. ટીમ સિંધુભવન સ્થિત તાજ સ્કાય લાઈન હોટલમાં રોકાણ કરશે. હોટલની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.બીજી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું.
અગાઉ આજે ટીમ ઇન્ડિયાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી. બપોરના સમયે ટીમ ઇન્ડિયા સ્ટેડિયમ પહોંચી હતી. અહીં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પરસેવો પાડ્યો હતો.
ભારતીય વાયુસેના એરોબેટિક ટીમ સૂર્ય કિરણે રવિવારે (19 નવેમ્બર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ પહેલા શુક્રવારે એર શો માટે પ્રેક્ટિસ કરી હતી. ગુજરાત ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું હતું કે સૂર્ય કિરણ ટીમે સ્ટેડિયમમાં ભવ્ય રિહર્સલ કર્યું હતું.
આ મેચને યાદગાર બનાવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાઇનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઇએ તમામને ફાઈનલ મેચ માટે આમંત્રણ મોકલ્યું છે. PM મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ફાઈનલ મેચ જોવા આવી શકે છે.
ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ હાજર રહેશે. આ સિવાય બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અજય દેવગન પણ ફાઈનલ મેચ જોવા આવે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં મેચને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. આ મેચ જોવા માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આવી શકે છે. તેમની સાથે અનેક હસ્તીઓ હાજર રહેશે.
રિપોર્ટ અનુસાર, વર્લ્ડકપની ક્લોઝિંગ સેરેમનીમાં બ્રિટિશ પોપ સિંગર દુઆ લિપા પરફોર્મ કરી શકે છે. દુઆ લિપા અલ્બેનિયાની જાણીતી સિંગર છે, પરંતુ તેની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે.