અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પાર્સલ કોચમાંથી પ્રતિબંધિત વસ્તુઓનુ પાર્સલ મળી આવતા હડકંપ મચી ગયો છે. પાર્સલમાંથી ભારતીય બનાવટની કરન્સી,ગોલ્ડ અને અન્ય વસ્તુઓ મળતા પોલીસ વિભાગ દોડતું થયું છે. આજે અચાનક રાખેલી ડ્રાઇવમાં રેલવેના પોલીસ જવાને બોડી કેમેરાને સાથે દરોડા પાડ્યા હતા.


પશ્ચિમ રેલવેમાં વિવિધ ટ્રેનોમાં ડ્રગ્સ રોકડા રૂપિયા અને ભારતીય બનાવટ વિદેશી દારૂઓ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. મોટેભાગે રેલવેના પાર્સલ કોચમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી થતી હોવાની જાણ ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયનને થતા જ ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ વગેરે રેલવે સ્ટેશન પર બોડી કેમેરા સાથે ટ્રેનોમાં જીઆરપીના જવાન પાર્સલ કોચ પણ ચેકિંગ કરવાના આદેશ બાદ આજે વધુ મોટી સફળતા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્સલ કોચમાંથી મળી હોવાનું જાણવા મળ્યું છે.


પશ્ચિમ રેલવેમાં વિવિધ રાજ્યોમાંથી આવતી લાંબા અંતરની ટ્રેનોમાં પાર્સલોમાં અનઅધીકૃત રીતે ડ્રગ્સ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ભારતીય ચલણ અને સોનાની તસ્કરી થતી હતી. અવારનવાર રેલવે પોલીસ દ્વારા વિવિધ ટ્રેનોમાંથી મોટી સંખ્યામાં પાર્સલ આવતા અનઅધિકૃત પ્રતિબંધિત વસ્તુઓ પકડી પાડી હતી. ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડોક્ટર રાજકુમાર પંડિયાનને ધ્યાન પર આવતા જ તાત્કાલિક અમદાવાદ ડિવિઝન અને બરોડા ડિવિઝનના રેલવેના એસ.પી કડક સૂચના આપીને વિવિધ પાર્સલ કોચ બોડી કેમેરા સાથે જવાનોએ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો.


પ્રતિબંધિત વસ્તુ મળી આવતા રેલવે પોલીસ ચોકી ઉઠી


ટ્રેનોમાં સખત પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવાના આદેશ બાદ ગત સુરત રેલવે સ્ટેશન પરથી બરોડા ડિવિઝનના એસપી રાજેશ પરમારની ટીમે જમ્મુ તાવી એક્સપ્રેસમાં આવતા ગુટકાના બાવન કોથળા ઝડપી પાડ્યા હતા ત્યારબાદ આજે વધુ અમદાવાદના કાલુપુર સ્ટેશન પરથી પાર્સલ કોચમાંથી પ્રતિબંધિત વસ્તુ મળી આવતા રેલવે પોલીસ ચોકી ઉઠી છે. જેમાં ગોલ્ડ, ભારતીય બનાવટની કરન્સી અન્ય વસ્તુઓ પણ ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે સત્તાવાર માહિતી રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય બાબત એ છે રેલવેમાં એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયન સાથે સાથે રેલવે પોલીસ એક્ટિવ થતા અવાર નવાર ભારતીય બનાવટનો દારૂ હોય કે ગાંજો ડ્રગ્સ કે ભારતીય બનાવટને કરન્સી અને ગોલ્ડ પકડી પાડવામાં આવી રહ્યા છે.