ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સંગઠનની કામગીરી કરવા માટે રાજસ્થાનમાં પોતાનું મંત્રીપદ છોડવા તૈયારી બતાવી છે. રઘુ શર્મા હાલમાં રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં આરોગ્ય પ્રધાન છે. રઘુ શર્માની ઓફરના પગલે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ હોદ્દો છોડવાની તૈયારી બતાવી છે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ પદ છોડવાના સંકેત આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફારની શક્યતા છે. રવિવારે ધારાસભ્યો સાથેની પ્રભારી રઘુ શર્માની બેઠક બાદ પરેશ ધાનાણીએ કહ્યું કે, રઘુ શર્મા સરકારની બહાર રહહેવાનું પસંદ કરીને મંત્રીપદ છોડી શકે છે તો અમે કેમ ના છોડી શકીએ ?  ધાનાણીએ કહ્યું કે, પ્રભારીએ મંત્રી પદ છોડી સંગઠન પસંદ કર્યું છે અને રઘુ શર્મા જો સરકારમાં પદ છોડી શકતા હોય તો અમે એક કાર્યકર્તા છીએ. હવે પદ માટે નહી પરંતુ પ્રતિષ્ઠા માટે લડીશું. તમામ સમાજ સાથે આગળ રાખી નવી જવાબદારી મળશે તે નિભાવીશું. 


ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર પક્ષની કમાન કોને સોંપવી તે અંગે મંથન શરૂ થયુ છે. આ ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતા પદે કોની વરણી કરવી એ મુદ્દે પણ ધારાસભ્યોનો મત જાણવામાં આવ્યો હતો. પાટનગર ગાંધીનગરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને પ્રભારી ડૉ. રઘુ શર્માએ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી અભિપ્રાય જાણ્યો હતો.


 


માહિતી પ્રમાણે એકાદ સપ્તાહમાં જ વિધાનસભા વિપક્ષના નેતાનું નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. તો ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાં ફેરફાર કરવા હાઇકમાન્ડ ઇચ્છુક છે. ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલાં પ્રભારી શર્માએ ગાંધીનગનરમાં વિધાનસભા હોલમાં કોંગ્રેસી ધારાસભ્યો સાથે બેઠક કરી. જેમાં કોરોનામાં સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દાઓને લઇને પ્રજા વચ્ચે જવા આહવાન કર્યુ હતું.


 


તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સતાથી નજીક રહી હતી ત્યારે હજુય કોંગ્રેસ માટે ઉજળી તકો છે. તો આ બેઠક બાદ પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિપક્ષ નેતાનું પદ છોડવાના સંકેત આપ્યા છે. ધાનાણીએ કહ્યુ કે, ગુજરાત કૉંગ્રેસને મજબૂત કરવા જો પ્રભારી રઘુ શર્મા રાજસ્થાન સરકારમા મંત્રી પદ છોડવા તૈયાર થાય તો અમે કેમ નહીં. હવે પદ નહીં પ્રતિષ્ઠા માટે લડીશું.


 


પાર્ટીને વફાદાર રહીને સંઘર્ષ કરતા શીખવા કોંગ્રેસના ધારાસભ્યોને પ્રભારી રઘુ શર્માએ સ્પષ્ટ આદેશ કર્યો છે. પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં કૉંગ્રેસના ધારાસભ્યો દળની બેઠક મળી હતી. આ બેઠકમાં રઘુ શર્માએ કૉંગ્રેસને વધારે મજબૂત કરવા સૂચના આપી કે પાર્ટીને વફાદાર રહી સંઘર્ષ કરતા શીખો. સરકાર બન્યા બાદ બધાને બધુ જ મળશે. હાલમાં સમય પાર્ટી માટે કામ કરવાનો છે, તો એ કરો.









પાર્ટી છોડવાનો વિચાર પણ મનમાં ના લાવો. તો રઘુ શર્માએ ABP અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું મારા માટે સંગઠન છે મહત્વનું કેમ કે, સંગઠનના માર્ગે જ સરકાર બને છે. જરૂર પડી તો સંગઠન માટે મંત્રીપદ પણ છોડી દઈશ.