PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી આ અઠવાડિયામાં બે વખત ગુજરાતના મહેમાન બનવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે 22મી ફેબ્રુઆરીના રોજ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજ સપ્તાહમાં ફરી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ જામનગર અને રાજકોટની મુલાકાતે આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મહેસાણા ખાતે વાળીનાથ ધામ અને વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તરભ ગામે શ્રી વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં પાંચ લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકઠા થવાની સંભાવના છે.
વાળીનાથ મંદિરને લઈ શું છે લોકવાયકા
લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પુજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે. 22મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે.વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાય મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
રાજુભાઈ દેસાઈ, સહ-આયોજક, વાળીનાથ મહાદેવ મંદિર, મહેસાણાના જણાવ્યા મુજબ, ગુજરાતનું બીજા નંબરનું શિવધામ અમારું વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય અમારુ વાળીનાથ મહાદેવનું મંદિર અહિંયા બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પુર્ણ થયું છે.
પીએમ મોદી 22મી ફેબ્રુઆરી 2024 ગુરુવારનો કાર્યક્રમ
- 8:50 દિલ્લીથી નીકળી 10:20 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
- 10:40 કલાકે PM નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પહોચશે
- 10:45થી 11:45 GCMMF આયોજિત સહકાર સંમેલનમાં હાજરી આપશે
- 12 કલાકે હેલીકોપ્ટરથી મહેસાણા જવા રવાના થશે
- 12:35 કલાકે મહેસાણા પહોચશે
- 12: 45થી 12: 55 દરમિયાન તરભ મંદિરમાં કરશે દર્શન
- 1 કલાકે તરભ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
- 2:45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે અને હેલિકોપ્ટર બદલી સુરત રવાના થશે
- 4:15 કલાકે નવસારી ખાતેનાં મિત્ર પાર્કમાં કાર્યક્રમમાં પહોચશે
- 4:15થી 5: 15 જાહેર કાર્યક્રમ અને સભાને સંબોધશે
- 6 કલાકે કાકરાપાર પહોચશે
- 6:15થી 6:45 દરમિયાન કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત
- 7:35 સુધી સુરત એરપોર્ટ પહોચશે અને વારાણસી જવા રવાના થશે