અમદાવાદ: પ્રધાનમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ નિકોલ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના નિકોલમાં 5400 કરોડથી પણ વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી હતી. નિકોલની આ સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ જનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ મોદી દ્વારા જે પણ વિકાસના કામ કરાવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે દુનિયાએ જોયું કે ભારતે કઈ રીતે આતંકવાદને જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ કહ્યું કે 22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું. પીએમ મોદીએ કહ્યું આતંકવાદીઓને હવે તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.
તાજેતરમાં સેના દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' તરફ ઈશારો કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "આજે આપણે આતંકવાદીઓ અને તેમના આકાઓને છોડતા નથી, ભલે તેઓ ગમે ત્યાં છુપાયા હોય. દુનિયાએ જોયું છે કે ભારતે પહેલગામનો બદલો કેવી રીતે લીધો. ઓપરેશન સિંદૂર આપણી સેનાની બહાદુરીનું પ્રતીક બની ગયું છે."
તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ છે. ગણપતિ બાપ્પાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. મારું સૌભાગ્ય છે કે આજે મને દેશના લોકોને અનેક વિકાસ પ્રોજેક્ટ્સ સમર્પિત કરવાની તક મળી છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કે ચોમાસા દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. દેશમાં પણ એક પછી એક આફતો આવી રહી છે. હું તમામ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. કુદરતનો આ પ્રકોપ સમગ્ર દેશ અને વિશ્વ માટે પડકાર બની ગયો છે. કેન્દ્ર સરકાર રાજ્યો સાથે રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે.
પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતની ધરતી બે મોહનની ધરતી છે એક સુદર્શન ચક્રધારી દ્વારકાધીશ અને બીજા ચરખાધારી મોહન આપણા મહાત્મા ગાંધી. આ બંને દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીને ભારત મજબૂત બની રહ્યું છે. શ્રી કૃષ્ણએ આપણને દેશ અને સમાજનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખવ્યું. તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવ્યું, જે દુશ્મનને શોધીને તેને સજા આપે છે.