Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા અપાયેલ નાવકાસ્ટ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમાં ભરૂચ, આનંદ, ભાવનગર, સુરત અને નવસારી જિલ્લામાં સામાન્ય ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement

આ વર્ષે નવરાત્રી શરૂ થતાં પહેલાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, અમરેલી અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે લાંબા સમયના ઉકળાટ અને બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે, આ વરસાદે ખેડૂતો અને નવરાત્રી આયોજકોની ચિંતા પણ વધારી છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઝાપટાં

Continues below advertisement

અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જોરદાર વરસાડ પડ્યો છે. નિકોલ, નરોડા, વસ્ત્રાલ, ઓઢવ,જશોદાનગર,બાપુનગર સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત વહેલી સવારે પશ્ચિમ વિસ્તારના પ્રહલાદનગર, આનંદનગર રોડ, શ્યામલ અને જીવરાજ પાર્ક જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં. જુદા જુદા વિસ્તારોમાં વરસાદ આવવાથી શહેરનું વાતાવરણ ઠંડુ બન્યું છે.

છોટાઉદેપુર અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ

છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે મુખ્ય બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આ જ રીતે, જૂનાગઢના વંથલી પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો. જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ, ગાંધીચોક અને સુખનાથચોક જેવા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા. આ અચાનક આવેલા વરસાદથી લોકો ખુશ થયા, પરંતુ નવરાત્રીના આયોજકો ચિંતિત બન્યા છે.

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના છાણી, ગોરવા, સમતા, સમા, નિઝામપુરા, હરણી, સયાજીગંજ અને ફતેગંજ જેવા વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદ ક્યારેક ધીમી ધારે તો ક્યારેક મધ્યમ ગતિએ પડી રહ્યો છે.

અમરેલી અને અરવલ્લીમાં પૂર જેવી સ્થિતિ

અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદને કારણે કાળુભાર નદીમાં પૂર આવ્યું. ઉપરવાસના ચરખા, ચમારડી અને ઘૂઘરાળા ગામોમાં સારો વરસાદ થતાં નદીમાં પાણીનું સ્તર વધ્યું. ખેડૂતોને ભય છે કે આ વરસાદથી કપાસના પાકમાં આવેલો ફાલ ખરી જશે. આ જ રીતે, અરવલ્લી જિલ્લાના બાયડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

વરસાદે હાલ પૂરતી ગરમીમાંથી રાહત આપી છે, પરંતુ નવરાત્રીની તૈયારીઓ પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે તેના પર સૌની નજર રહેશે.