Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી દરમિયાન સોમવાર સાંજે અમદાવાદમાં પણ વરસાદે તોફાની બેટીંગ કરી, સાંજે પહેલા તો ભારે પવન સાથે ધૂળભરી આંઘી શરૂ થઇ અને ત્યારબાદ કાળા ડિંબાગ વાદળ છવાઇ જતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમાં સાંજે વીજળીના કડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં કુદરતનું રૌદ્રરૂપ જોવા મળ્યું હતું.
અમદાવાદમાં સોમવારે વરસેવા વરસાદને અનેક જગ્યાએ તારાજી પણ સર્જી છે. હોર્ડિગ્સ અને વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. અમદાવાદ શહેરમાં 75 વૃક્ષો ધરાશાયી છે. 48 જગ્યાએ વૃક્ષોનો નિકાલ કરાયો છે. 38 જગ્યાએ વૃક્ષોના નિકાલની કામગીરી ચાલુ છે. આનંદનગર, પકવાન અને વસ્ત્રાપુરમાં વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની છે. કેશવબાગ વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
અમદાવાદના દરિયાપુરમાં ભારે પવન સાથે વરસાદે એક વ્યક્તિનો જીવ લીધો છે. જ્યારે એકને ઇજા પહોંચી છે. અહીં દરિયાપુરમાં તોફાની પવનમાં વૃક્ષ ધરાશાયી થતા સુરેશભાઈ સથવારાનું મોત થયું છે. જયારે વૃક્ષ નીચે દબાતા શંશાક સથવારાના યુવક ઈજાગ્રસ્ત થયો છે. વૃક્ષ નીચે દટાતા 15થી વધુ વાહનોને નુકસાન થયું છે.
વડોદરા શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદે તારાજી સર્જી છે. ભારે પવનાના કારણે ત્રણના મોત થયા છે. જીવતો વીજ વાયર તૂટતા જીતેશ મોરે નામના વ્યકિતનું મોત થયું છે. વીજ વાયર બસ પર પડતા પરબતભાઈ ડાંગર નામના યુવકનું મોત થયું છે. સમા તળાવ નજીક કોમ્પલેક્ષની કાચની પેનલ રીક્ષા પર પડતા ગિરીશકુમાર ચૌરેનું મોત થયું છે. ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં ઝાડ પડતા સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભરૂચમાં સોમવારે મોડી રાત્રે મીની વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મીની વાવાઝોડામાં દહેજ ટોલ પ્લાઝાનો શેડ ધરાશાયી થયો હતો. ટોલ પ્લાઝાનો શેડ પત્તાના મહેલની જેમ પડી જતા અનેક વાહનને નુકસાન થયું હતું. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી જાનહાનિના સમાચાર નથી. ઉપરાંત ટણ જિલ્લામાં મોડીરાત્રે તોફાની પવન ફૂંકાયો હતો. પાટણ શહેર અને તાલુકામાં વીજળીના કડાકા સાથે તેજ પવન ફૂંકાયો હતો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસ્યો ધીમીધારે વરસાદ વરસ્યો હતો.સમી તાલુકામાં તેજ પવન સાથે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા છે. સમીના ઉપલીયસરા ગામમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. અનેક ગામોમાં તેજ પવનમાં ઘરના છાપરા અને નળિયા ઉડ્યાં હતા.