Rainy weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. તો બીજી તરફ વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના આજુબાજુના વિસ્તારોમાં અમી છાંટણા થયા છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. તિથલ સહિત કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો જેને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે.
તો બીજી તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધાનપુર અને દેવગઢ બારીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણ ઠંડક પ્રસરી છે. જિલ્લામાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ડાયમંડ નગરી સુરતની વાત કરીએ તો વરસાદ બાદ શહેરમાં ગઈકાલે ઝડપી પવનો ફૂંકાયા હતા. આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઝડપી પવનોને કારણે સુરતવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે. 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાને કારણે ઝાડ પડવાના બનાવો બન્યા છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 10થી વધુ ઝાડ પડવાના કોલ મળ્યા છે. વાદળ તેમજ ભારે પવનને કારણે બે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી.
આ ઉપરાંત મહિસાગરમાં પણ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવન ફુંકાતા ગરમીના પ્રમાણમાં ઘટાડો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદ: રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે. પ્રિ-મોનસૂન એક્ટીવિટીના કારણે અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છે. તેજ પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદના લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સરહદીય વાવ,થરાદ, સુઇગામ, ભાભર ધાનેરા સહિતના વિસ્તારોમાં ઠંડા પવન સાથે વાદળ છાયું વાતવરણ સર્જાયું છે. બનાસકાંઠા વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી છે. બાજરી,એરંડા,જુવાર સહિતના પાકોમાં નુક્સાનની ભીતિ છે.