અમદાવાદ: ગુજરાતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી શરુઆત આજથી થઈ ગઈ છે. આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. કૉંગ્રેસનું આ અધિવેશન આજથી બે દિવસ સુધી ચાલશે. ગુજરાતથી કૉંગ્રેસના નવસર્જનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરદારના સાનિધ્યમાં CWCની બેઠક પૂર્ણ થઈ હતી. CWCની બેઠકની શરુઆતમાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગાંધી અને સરદારને યાદ કર્યા હતા. CWC ની બેઠક બાદ કૉંગ્રેસના નેતા સચિન પાયલટે પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયામ તેમણે કહ્યું કે, 2025નું વર્ષ કૉંગ્રેસ સમર્પણ વર્ષ તરીકે ઉજવશે, તેમજ સમગ્ર દેશના સંગઠનમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે.
અમદાવાદમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ કૉંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, બુથથી લઈને પ્રદેશ કક્ષા સુધી કૉંગ્રેસના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરાશે. મતબલ કે આવનારા સમયમાં જિલ્લા અને શહેર પ્રમુખોને વધુ સત્તા આપવામાં આવશે.
આ સાથે જ તેમણે કહ્યું કે, જિલ્લા પ્રમુખોની જવાબદારી વધશે. કૉંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક અંગે સચિન પાયલોટે કહ્યું કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન મળવા જઈ રહ્યું છે. ન્યાય પથ પ્રસ્તાવ પર તમામ નેતાઓ પોતાની વાત રજૂ કરી રહ્યા છે. ગુજરાતની જમીન પર કૉંગ્રેસના મૂળીયા હંમેશા મજબૂત રહ્યા છે.
સચિન પાયલટે વધુમાં કહ્યું કે, દેશભરમાં દબાવ અને ટકરાવની રાજનીતિ ચાલી રહી છે. આવનાર સમયમાં જે રણનીતિ હશે એ અંગે આજે અમે ચર્ચા કરી રહ્યા છીએ.
2025નું વર્ષ કોંગ્રેસના સંગઠન માટે સમર્થિત રહેશે. આ વર્ષમાં વિચારધારાને વ્યાપક બનાવવા અને સંગઠનને મજબૂત બનાવવામાં આવશે. દેશના પ્રશ્નો પર કોંગ્રેસનું સ્ટેન્ડ શું હશે એ આજે નક્કી કરીશું.
સચિન પાયલટે કહ્યું, જિલ્લા અધ્યક્ષને નવા સ્વરૂપમાં જવાબદારી આપવા માંગીએ છીએ. દિલ્હીમાં કૉંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા કરવામાં આવી હતી. કૉંગ્રેસના જિલ્લા પ્રમુખોને વધારે સશક્ત બનાવવામાં આવશે. ડોર ટુ ડોર અને પદયાત્રાના કાર્યક્રમો કૉંગ્રેસ આપશે. જાતિગત જન ગણના થવી જોઈએ એ કૉંગ્રેસની માંગ છે. દેશના તમામ વર્ગના લોકોને એક સરખો ન્યાય મળે એ જ અમારી પ્રાથમિકતા છે.