બોટાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. તેમજ કેટલાક નેતાઓ કોરોનાને કારણે મોતને પણ ભેટી રહ્યા છે. બોટાદ જિલ્લામાં ઢસા ભાજપ જિલ્લા પંચાયતના મહિલા પ્રતિનિધીના પતિનું કોરોનાથી મોત થયું છે. કે. ડી.પાવરાને કોરોનાનું સંક્રમણ થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં સારવાર દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે કે.ડી.પાવરાનું મોત થતા જિલ્લા ભાજપમાં ગમગીની છવાઈ ગઈ છે. 


ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના નેતાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તાપીમાં વાલોડ (Valod) તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચ નિધન થયું છે. કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકા (Jyotiben Nayaka)નું સારવાર દરમ્યાન નિધન થતાં તાપી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફરી વળી છે. 



પરમ દિવસે તાપીમાં ભાજપના નેતા (BJP leader)નું કોરોના પોઝિટિવ આવ્યા પછી સારવાર દરમિયાન મોત થયું છે. ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું બારડોલી(Bardoli) ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મહામંત્રી મોહનભાઇ ગામીત (Mohanbhai Gamit)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે કોરોનાથી મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે. 


ગઈ કાલે ગુજરાતમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasma) ઉપરાંત ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. આ પછી પાટીદાર નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો 6 વર્ષનો પૌત્ર અને 90 વર્ષના માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ, તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 


ભૂપેદ્રસિંહ ચુડાસમા કોરોનાં પોઝીટીવ આવ્યા  છે. કેબિનેટ મંત્રીને કોરોના થતાં તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. તબિયત સારી હોવાની વાત સામે આવી છે. મંત્રી ઉપરાંત વડોદરાના ભાજપ ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધારાસભ્ય મનીષાબેન વકીલે ફેસબુક પર પોસ્ટ કરી માહિતી આપી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તબિયત નાદુરસ્ત હતી. મનીષાબેન વકીલે (Manisha Vakil) સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મનીષાબેન વકીલ ઘરે ક્વોરોન્ટાઈન થયા છે. 


આ ઉપરાંત  ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. ધારાસભ્ય કુબેર ડિંડોર (Kuber Dindor) કોરોના સંક્રમિત થયા છે. કુબેર ડિંડોર સંતરામપુરના ધારાસભ્ય છે. આ અગાઉ પણ કેટલાય ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.