અમદાવાદ: શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી સાત વર્ષનું બાળક ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. થોડા દિવસ પહેલા બાળકને આંગન સંસ્થામાં લવાયું હતું. વાસણાથી બિનવારસી બાળક મળી આવ્યું હતું જેને કાલુપુર મૂકવામાં આવ્યું હતું. હાલમાં કાલુપુર પોલીસે તપાસ હાથ ધરી છે. બાળક રસ્તા પર દોડતું હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે.  બાળક કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી જાતે ભાગીને જતુ હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.


 



પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને અમદાવાદ સેશન્સ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા


અમદાવાદના નારોલ વિસ્તારમાં મહિલાએ આત્મહત્યા કરી હતી, હવે આ મામલે કોર્ટે આકરી સજા ફટકારી છે. પત્નીને આત્મહત્યા પ્રેરવા માટે પતિને 10 વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે. અમદાવાદ સેશન્સ કોર્ટે દાખલા રૂપ ચૂકાદો આપ્યો છે. દારૂ પીને પત્નીને મારઝૂડ કરી તરછોડવાની ધમકી આપનાર પતિએ પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરી હોવાનું કોર્ટનું તારણ છે. આ ઘટના વર્ષ 2021માં બની હતી. જેનો હાલમાં ચૂકાદો આવ્યો છે.


અડાલજ પાસે યુવક-યુવતીની હત્યા બાદ લાશને સળગાવી દેવામાં આવી
અડાલજ પાસે અજાણી મહિલા અને પૂરુષની હત્યા કરી લાશ સળગાવી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અઠવાડિયા પહેલા હત્યા કરાઈ હોવાનો અંદાજ છે.  જોકે આ બન્ને યુવક યુવતી કોણ છે તેની માહિતી સામે આવી નથી. મૃતકોની ઓળખ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે. અડાલજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ સળગાવાઈ હોવાનું પોલીસનું અનુમાન છે. હાલમાં પોલીસે બન્નેના મૃતદેહને પીએમ માટે અમદાવાદ સિવિલમાં મોકલી આપ્યા છે. યુવક અને યુવતીની હત્યાને લઈને હાલમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જો કે પોલીસ તપાસ બાદ જ તેનું કારણ સામે આવશે.


ઘોર કળિયુગ! સુરતમાં 16 વર્ષના તરુણે લિફ્ટમાં 12 વર્ષની કિશોરીની કરી છેડતી
સુરત:- ડીંડોલી વિસ્તારમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીની છેડતી કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કિશોરી જ્યારે લિફ્ટ અંદર હતી ત્યારે આ સગીરે તેની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ કિશોરીએ આ ઘટનાની જાણ તેમના પિતાને કરતા સમગ્ર વાતનો ખુલાસો થયો હતો. કિશોરીના પિતાએ આ ઘટના અંગે પોલીસ ને જાણકારી આપી હતી ત્યાર બાદ પોલીસે 16 વર્ષીય કિશોરની અટકાયત કરી હતી. આટલી નાની ઉંમરે આવી હરકતો કરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.