અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોજ નવા રેકોર્ડ (Gujarat Corona Cases) બનાવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં (Social Media) એક લેટર વાયરલ થયો હતો. જેમાં રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગર એમ 6 શહેરમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનનો (Complete Lockdown) નિર્ણય કરાયો હોવાનું લખવામાં આવ્યું હતું. જે બાદ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના નામે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર ખોટો હોવાની સ્પષ્ટતા રાજ્યના ગૃહ વિભાગે કરી છે. આ સાથે રાજ્યના ડીજીપી (DGP) આશિષ ભાટીયાએ આવી અફવા ફેલાવનાર તત્ત્વને ઝડપવા સાઈબર ક્રાઇમને (Cyber Crime) આદેશ કર્યો છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. ગૃહવિભાગના પ્રવક્તાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.
રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ 11 એપ્રિલ થી તારીખ 17મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે.
સોશિયલ મીડિયામાં વાયેરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાઈરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાઈરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. આ પહેલા 8 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.