ગુજરાત સરકારના નિર્દેશન અનુસાર, મિલકત વિરુદ્ધના ગુનાઓમાં કબજે કરાયેલ મુદ્દામાલ ફરિયાદીઓ અને માલિકોને તાત્કાલિક પરત સોંપવાના ઉદ્દેશ્ય સાથે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે એક નોંધપાત્ર અભિયાન હાથ ધર્યું છે. આ કાર્યક્રમ હેઠળ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, અધિક પોલીસ કમિશનર (સેક્ટર-02) જયપાલ સિંઘ રાઠોડ અને નાયબ પોલીસ કમિશનર (ઝોન-06) ડૉ. રવિ મોહન સૈની, નાયબ પોલીસ કમિશનર પી.જી જાડેજા (જે-ડિવિઝન) તથા મદદનીશ પોલીસ કમિશનર વાય.એ.ગોહિલ (કે ડિવિઝન)ના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફને મિલકત વિરુદ્ધના ગુનાઓની ઝડપી તપાસ કરી રિકવર કરાયેલા મુદ્દામાલ તાત્કાલિક પરત સોંપવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

સામાન્ય રીતે ગુમ થયેલ કે ચોરી થયેલા મુદ્દામાલ પરત મેળવવાની જટિલ પ્રક્રિયાથી અજાણ ફરિચાદીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જોકે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ દ્ધારા આ સમસ્યાને દૂર કરવામાં સરળતા થયેલ છે. ઝોન-06 હેઠળના ‘જે’ ડિવિઝન તથા ‘કે’ ડિવિઝન તેમજ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એ.ગોહિલ તથા દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જી. રાવત તથા નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પી.સી.દેસાઈ તેમજ સ્ટાફે ‘CEIR’ પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલ મોબાઈલ ફોન પરત કરવાની પ્રશંસનીય કામગીરી કરી હતી.

આ અભિયાનના ભાગરૂપે કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્ધારા 47 મોબાઈલ ફોન (કિંમતઃ 8,18,146 રૂપિયા), દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્ધારા 51 મોબાઇલ ફોન (કિંમતઃ 6,77,000 રૂપિયા) અને નારોલ પોલીસ સ્ટેશન દ્ધારા 54 મોબાઈલ ફોન (કિંમતઃ 7,71,710 રૂપિયા) પરત કરવામાં આવ્યા હતા.  એમ કુલ 152 મોબાઈલ ફોન જેની અંદાજે કિંમત 22,66,856 રૂપિયાની કિંમતના મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદીઓને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદ કરી અને ટૂંકા ગાળામાં મુદ્દામાલ પરત સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

આ પહેલથી ફરિયાદીઓ અને અરજદારો ભાવવિભોર થયા હતા અને તેમણે અમદાવાદ પોલીસ તથા ઝોન-06, કે ડિવિઝનની ટીમનો વારંવાર આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ શહેર પોલીસે આ કાર્યક્રમ દ્ધારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાચા અર્થમાં સાકાર કર્યું છે. આ પ્રશંસનીય કામગીરી દર્શાવે છે કે અમદાવાદ પોલીસ નાગરિકોની સેવા અને સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે.