Junagadh: વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી પ્રશાસન અને સાધુ-સંતોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ભારે વરસાદના કારણે પરિક્રમાનો મુખ્ય રૂટ ધોવાઈ ગયો છે, જેના પરિણામે સમગ્ર માર્ગ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. યાત્રિકો અને ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે.
લીલી પરિક્રમા રુટ પર રસ્તાઓ ધોવાયા
એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગિરનારમાં જંગલમાં પરિક્રમાના રુટ પર ચાલવું મુશ્કેલ છે. લીલી પરિક્રમાને પણ કમોસમી વરસાદનો અવરોધ નડ્યો છ. 50 લાખના ખર્ચ તૈયાર થયેલા રસ્તાઓ ધોવાયા છે. વરસાદમાં વન્ય પ્રાણીઓની પણ પરિક્રમા રૂટ પર આવવાની દેહશત છે. વહીવટી તંત્ર પણ હાલ પરિક્રમા રૂટ પર જઈ શકે તેવીસ્થિતિમાં નથી. કમોસમી વરસાદને કારણે પરીક્રમા રૂટનું ધોવાણ થયું છે. હાલ જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. રસ્તા પર અતિશય કીચડ થઈ ગયો હોવાથી વાહનો ફસાઈ શકે છે. વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ માટે અગત્યની અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા અપીલ કરાઈ છે. આ અંગે જૂનાગઢ કલેક્ટરે ટ્વિટ કરી રસ્તાઓની સ્થિતિ અંગે લોકોને વાકેફ કર્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે સમગ્ર રસ્તાઓ પર કિચડ જામેલો છે. જેના લીધે તે રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ છે.
ગઈ કાલે જ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી
નોંધનિય છે કે, સતત વરસી રહેલા વરસાદને કારણે તંત્ર પહેલાથી જ સજજ્ હતું અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું, ગઈકાલે ઉતારા મંડળ દ્વારા પણ તમામ અન્નક્ષેત્ર અને ઉતારા ચલાવતી સંસ્થાને જાણ કરવામાં આવી છે કે જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી પરીક્રમા રૂટ પર પ્રવેશ કરવો નહીં. વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા હેતુ વૃધ્ધો અને બાળકો ને પરીક્રમા ટાળવા અપીલ કરાઈ હતી. પરીક્રમા રૂટ પર કીચડ વાળા રસ્તાને કારણે પ્રવેશબંધી કરવામાં આવી હતી.