અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પ્રેમી સાથે મળી પત્નીએ જ પતિની હત્યા કરી હતી. હત્યામાં સામેલ પત્ની અને તેના પ્રેમીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના દાણીલીમડામાં દોઢ વર્ષ પહેલાં મહિલાએ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. હત્યા કર્યા અગાઉ કોફીમાં ઊંઘની ગોળીઓ ભેળવી પતિને બેભાન કરી મહિલાએ પ્રેમી સાથે મળી દોરડાથી ગળું દબાવી દીધું હતું. પતિનું મોત થતાં તેના મૃતદેહને સાબરમતી ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન તરફની અવાવરૂ જગ્યાએ નદીના કિનારે નાખી દીધો હતો. ત્યાર બાદ પતિ ગુમ થઈ ગયો હોવાની ખોટી અફવા ફેલાવી હતી. આ ઘટનાનો ગુનો નોંધાયો જ નહોતો પરંતુ પતિની હત્યાની તપાસ થતાં એમાં સંડોવાયેલાં પ્રેમી તથા પ્રેમિકાને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધાં હતાં




પતિને બેભાન કરી ગળું દબાવ્યું


પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ વણઉકેલાયેલા ગુનાની શોધમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળતાં ક્રાઈમ બ્રાંચની ટીમ સક્રીય થઈ ગઈ હતી જેમાં અહેમદ મુરાદ અને તેની પ્રેમિકા સાફિયાખાતુને તેના પતિ મહેરબાન ખાનને કોફીમાં ઊંઘની ગોળીઓ પીવડાવીને બેભાન કરીને તેનું ગળું દબાવીને હત્યા કરી  હોવાનો ખુલાસો કર્યો હતો. બંન્નેએ હત્યા કરી મહેરબાન ખાનના મૃતદેહને સાબરમતી નદી કિનારે ફેંકી દીધો હતો.


ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આશરે દોઢ વર્ષ અગાઉ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ સંબંધની જાણ સાફિયાના પતિ મહેરબાન ખાનને થતા બંન્ને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા.સાફિયા અને અહેમદ મુરાદને સાફિયાનો પતિ નડતરરૂપ લાગવા લાગ્યો હતો. બંને પ્રેમીઓએ સાથે રહેવા દોઢેક વર્ષ પહેલાં ઊંઘની ગોળીઓ મેડિકલ સ્ટોર પરથી ખરીદી રાત્રિના સમયે કોફીમાં નાખીને મહેરબાનખાનને પીવડાવી બેભાન કરી દીધો હતો.

સાબરમતી ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો


ત્યાર બાદ પ્રેમી-પ્રેમિકાએ મોડી રાત્રે રસ્સી વડે મહેરબાન ખાનનું ગળું દબાવી હત્યા કરી હતી. મૃતદેહનો નિકાલ કરવા બંનેએ આશરે સવારના સાડા ચાર વાગ્યે વાસણા બેરેજ તરફ જતા કાચા રોડવાળા રસ્તે જઈ નદીના કિનારે મૃતદેહને ફેંકી દીધો હતો. બાદમાં મૃતદેહને તાડના ઝાડના મોટાં પાંદડાથી ઢાંકી દીધો હતો. ત્યાર બાદ પોલીસને તપાસમાં મૃતક પતિનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. હાલ તો સમગ્ર મામલે આરોપી પ્રેમી-પ્રેમિકા વિરુદ્ધ સાબરમતી ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


મૃતક અને બંને આરોપી મૂળ ઉત્તરપ્રદેશનાં રહેવાસી


આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતુ કે મૃતક અને તેમની પત્નીના લગ્ન થયાને ઘણા વર્ષો થયા હતા. મૃતક , તેની પત્ની અને તેનો પ્રેમી ત્રણેય મૂળ ઉત્તરપ્રદેશનાં રહેવાસી છે અને હાલમાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતાં હતાં. મૃતક અને મહિલાનો પ્રેમી બંને છૂટક મજૂરીકામ કરતા હતા, જ્યારે મહિલા હાઉસવાઇફ છે. મહિલાને તેના પ્રેમી સાથે છેલ્લાં બે વર્ષથી પ્રેમસંબંધ હતો. હત્યા બાદ મહિલા અને તેનો પ્રેમી સામાન્ય જીવન જીવતાં હતાં. મહિલાએ પોતાના પતિ ગુમ થયાની પણ અરજી પોલીસ સ્ટેશનમાં કરી હતી.