Gujarat Rain: વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નેઋત્યનું ચોમાસું આજે ગુજરાતમાં પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ સંદર્ભે હવામાન વિભાગે સીએમને બ્રિફિગ કર્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાં મોહનતીએ સીએમ ઓફીસ ખાતે હવામાનને લઈને બ્રિફિગ કર્યું છે. દિવ અને વલસાડમાં ચોમાસાનું આજે વિધિવત આગમન થયું છે.
હવે રાજ્યમાં સત્તાવાર ચોમાસુ ગુજરાતમાં બેસી ગયું છે. આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ રહેશે. 48 કલાક સુધી મોન્સૂન આગળ વધી શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
જો આજે વરસાદની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નડીયાદ તાલુકામાં 1.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરતના ઓલપાડમાં અડધો ઈચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. લિલીયામાં અસંખ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. ઘારીના ચલાલા પણ વરસાદ શરૂ થયો છે. લિલીયા શહેર અને આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે.
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારો ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે.
દ્વારકા જીલ્લાનાં ભાણવડમાં વરસાદી હેલીથી રોડ રસ્તાઓ પર પાણીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. ભાણવડ શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી હેલી જોવા મળી છે. બપોરના ઉકાળા બાદ વરસાદી હેલીથી રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. સતત વરસાદથી લોકોએ ગરમીથી રાહત મેળવી છે.
જૂનાગઢમાં ફરી વરસાદ શરૂ થયો છે. સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મજેવડી દરવાજા, સુખનાથ, આઝાદ ચોક, વણઝારી, ચિતાખાના, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. હિંમતનગર શહેર ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે. હિંમતનગરના ખેડ, ધનપુરા,જાબુંડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ખેડૂતો વાવેતરના આગોતરા આયોજનમાં જોતરાયા છે.
જામનગર શહેરમાં વરસાદ શરૂ થયો છે. મોસમનો પહેલો વરસાદ આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શહેરના ટાઉનહોલ, લાલબંગલા, બેડીગેટ, સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.