નહેરાએ પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે, રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં પણ જે લોકો હોસ્પિટલમાં એડમિટ થવાની આનાકાની કરી રહ્યા છે તે લોકોને જરુર પડે તો બળજબરીપૂર્વક હોસ્પિટલ પહોંચાડવાનો તેમણે ઓર્ડર આપી દીધો છે. અમદાવાદમાં ગુરૂવારે સૌથી વધુ 50 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાંના મોટાભાગના ગીચ વિસ્તારોમાં રહે છે.
શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 142 પર પહોંચ્યો છે અને કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ દિવસમાં બે હજારથી પણ વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કન્ફર્મ કેસનો આંકડો વધશે તેવી આશંકાએ કોર્પોરેશને અનેક વિસ્તારોને સીલ કરી દીધા છે અને કોરોનાના દર્દીઓને શોધવા સઘન કામગીરી શરુ કરી છે.
અમદાવાદમાં લોકડાઉનનો અમલ શરુ કરવામાં આવ્યો ત્યારે પણ શહેરના ઘણાં વિસ્તારોના લોકો તેને ગંભીરતાથી નહોતા લઈ રહ્યા. ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ હોવા છતાં લોકો કારણ વગર જ બહાર ફરતા હતા. આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લઈ પોલીસને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવાના આદેશ પણ આપ્યા હતા.
ચોંકાવનારી વાત એ છે કે જે વિસ્તારોમાં લોકો લોકડાઉનને ગંભીરતાથી નહોતા લઈ રહ્યા ત્યાં જ અત્યારે કોરોનાના સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. લોકડાઉનનો અમલ કરાવવા ઉપરાંત, હોટસ્પોટ જાહેર કરાયેલા આ વિસ્તારોમાંથી કોઈ બહાર ના જાય અને બહારના લોકો અંદર ના આવે તે માટે પોલીસ દિવસરાત પહેરો ભરી રહી છે.