અમદાવાદ:  અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પરથી પસાર થનારા વાહન ચાલકો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.  એસ.પી રિંગ રોડ પર TRB જવાન દ્વારા પૈસા માગવાની ઘણી બધી ફરિયાદો મળી રહી હતી. જે બાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટે 35 કિલોમીટરના પટ્ટામાં આવતા 15 મોટા જંક્શનો પરથી 240 જેટલા TRB જવાનોને હટાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ એરપોર્ટ પરથી બોપલ તરફ જતા ઘણા લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. હાલમાં જ એસ.પી રીંગ રોડ પર TRB જવાન દ્વારા ભારે વાહનો પાસેથી ખોટી રીતે દંડ વસૂલાતો હોવાની ફરિયાદો ઉઠી હતી.



જે.સી.પી ટ્રાફિક મયંકસિંહ ચાવડાએ આ વિશે જણાવ્યું હતું કે, આ ચોક્કસ રોડ પર કેટલાક TRB જવાનો ખોટી રીતે પૈસા ઉઘરાવવા હતા. આ પટ્ટા પર TRB જવાનની જગ્યા લેનારા પોલીસકર્મીઓને અમે મેમો બૂક્સ અથવા POS (પોઈન્ટ ઓફ સેલ) મશીન પૂરા પાડીશું નહીં. આથી, ત્યાં સ્થળ પર દંડ વસૂલવાની કોઈ સમસ્યા નહીં રહે. અમને આશા છે કે આ નિર્ણયથી એસ.પી રીંગ રોડ પરથી નીકળનારા વાહનચાલકોને રાહત મળશે.


ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ નહીં કરાય તો તેનાથી રોડ પર અરાજકતા તેવી સ્થિતિ બનશે, તેના વિશે જે.સી.પી ચાવડા કહે છે, તેમનું ધ્યાન અત્યારે ટ્રાફિકનું નિયમન કરવાનું છે, દંડ ઉઘરાવવાનું નહીં. જોકે આ રોડ પર મોટી ઘટના અથવા ટ્રાફિકના ઉલ્લંઘનના કેસમાં પોલીસકર્મી બીટ ટ્રાફિક પોલીસ અથવા નજીકના પોલીસ સ્ટેશનને ફોન કરી શકશે. તેઓ ગુનેગારને પોલીસ સ્ટેશન લઈ જશે અને જરૂરી કાર્યવાહી કરાશે. આનાથી સ્થળ પર દંડ ઉઘરાવવાના ભ્રષ્ટાચાર નાબુદ થશે.તેમણે કહ્યું,  આ પટ્ટા પર ટ્રાફિક પોલીસકર્મચારીઓને રોટેશનના આધારે મૂકવામાં આવશે. ડિપ્લોય કરવામાં આવેલી ટીમ આઠ દિવસ સુધી કોઈ એક પોઈન્ટ પર રહેશે. આ બાદ નવી ટીમ તેમની જગ્યા લેશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી પોલીસ ટ્રાફિકની સ્થિતિથી વાકેફ ન થાય અને ભ્રષ્ટાચારમાં ન સંકળાય.


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, TRB જવાનો માત્ર 3 વર્ષના સમયગાળા માટે જ ભરતી કરાશે. 3 વર્ષના સમય બાદ નવા TRB જવાનોની ભરતી કરાશે. આ જવાનોને તેમની સેવા બદલ રોજના 300 રૂપિયા ચૂકવાય છે. ટ્રાફિકના સંચાલનમાં શહેરના નાગરિકો પણ જોડાય તેવું શહેર ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે. આ માટે સીનિયર પત્રકારો, વકીલો, સ્થાનિક સોસાયટીના સભ્યો, રાજનેતાઓ અને જાણીતા નાગરિકોને તેમના વિસ્તારમાં ટ્રાફિકના સંચાલન વિશે સૂચનો માટે આમંત્રિત કરવામાં આવશે અને તેનો અમલ કરાશે.