અમદાવાદ: હાઈકોર્ટની ટકોર છતા રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. હજુ પણ રખડતા ઢોરને કારણે રાજ્યમાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં બે લોકો રખડતા ઢોરના ત્રાસનો ભોગ બન્યા છે. ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરને કારણે વધુ એક યુવાનનું મોત થયું છે. મહુવા નેશનલ હાઇવે ઉપર તરેડી ગામના પાટિયા નજીક આ બનાવ સામે આવ્યો છે. જયપાલ વાળા નામના યુવકનો આખલાએ ભોગ લીધો છે. આ યુવક મૂળ મહુવાના ખાટસુરા ગામનો રહેવાસી હતો. તરેડી નજીક બાઈક લઈને જઈ રહેલા યુવકને આખલાએ હડફેટે લેતા મોત નીપજ્યું છે.
વડોદરામાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત
વડોદરામાં શહેરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે. ન્યુ અલકાપુરી લેસીસ ફ્લેટમાં રહેતા 65 વર્ષીય સાવદાસભાઈ નંદાણીયાને ગાયએ અડફેટે લેતા મોતને ભેટ્યા હતા. સાવદાસભાઈ બાઈક ઉપર પોતાના ઘરે જતા રસ્તામાં નારાયણ ગાર્ડન પાસે ગાયે અડર્ફેટે લીધા હતા. ઘાયલ સાવદાસભાઈને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. શહેરમાં રખડતા ઢોરને કારણે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.
બનાસકાંઠામાં 4 લોકો ઈજાગ્રસ્ત
ડીસામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. રથયાત્રા સમયે ગલીમાં આખલો તોફાને ચડતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રખડતા ઢોરે ભાજપના અગ્રણીના પરિવારને અડફેટે લીધો હતો. ભાજપના પૂર્વ નગરસેવકની પુત્રી અને ભાભી સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને પોલીસની ગાડીમાં તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વડોદરામાં ગમખ્વાર અકસ્માત
વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરામાં નેશનલ હાઇવે પર માંગલેજ પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. કાર લઈ ત્રણ યુવાનો નવાપુરાથી રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા આઈસરે કારને પાછળથી ટક્કર મારી હતી. કારમા સવાર ત્રણમાંથી 2ના મોત થયા જ્યારે આઇસર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મૃતકોની ઓળખ ઉકમ ભારતી,સુરેશ ભારતી તરીકે થઇ હતી.
વડોદરામાં સર્જાયેલા અન્ય એક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. વડોદારમાં કૃષ્ણા હોટલ ટ્રક ચાલકની અડફેટે બાઇક ચાલકનું મોત થયું હતું. ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક સોમા તલાવ વિસ્તારનો અને અનિલ ટીનાભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. વરણામા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રક ચાલક સામે વધુ તપાસ હાથ ધરી હતી.