અમદાવાદ: અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્લેન ક્રેશ થયું તે ઘટના સ્થળે પહોંચ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પણ તેમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સિવિલ હોસ્પિટલમાં પણ જવાના છે. જ્યાં તેઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. પ્લેન ક્રેશમાં જે લોકોના મોત થયા છે તેમને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરી લખ્યું કે ,અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તાત્કાલિક અકસ્માત સ્થળે મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે વાત કરી." તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે પણ વાત કરી છે.
પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા મૃતકોને 1-1 કરોડ આપશે ટાટા ગ્રુપ
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ સમયે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે."
આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા લખ્યું છે કે, "ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય પૂરી પાડશે. અમે ઘાયલોનો તબીબી ખર્ચ પણ સહન કરીશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ANI સાથે વાત કરતા જણાવ્યું છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સીટ 11A માંથી એક વ્યક્તિ જીવિત મળી આવી છે. આ વ્યક્તિની હાલત ગંભીર હોવા છતાં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, અને ડોકટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.