અમદાવાદઃ કોંગ્રેસના નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવે તે પહેલાં જ ડોક્ટરે ચેકઅપ માટે બોલાવ્યા હોવાનો પણ ગેનીબેનનો દાવો કર્યો હતો. જોકે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગેનીબેન ઠાકોરને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટી કરી છે. તેમણે ગેનીબેન ઝડપથી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના પણ કરી છે.


ત્રણ દિવસ પહેલા ગેનીબેનને શરદી, ખાંસી અને તાવની ફરિયાદ હતી. જેથી તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ગેનીબેન હાલ ગાંધીનગરથી અમદાવાદ હોસ્પિટલમાં આવવા નીકળી રહ્યા છે.


આજે સુરતના ભાજપના ધારાસભ્ય પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવતાં તેમને ઘરે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલની નિગરાનીમાં સારવાર ચાલું કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સેવાના કાર્યમાં સતત કાર્યરત હતા. તેઓ અન્ય લોકોની સેવામાં સંક્રમિત થયા હોવાની આશંકા છે.

નોંધનીય છે કે, અગાઉ ભાજપના જગદીશ પંચાલ, કિશોરસિંહ ચૌહાણ, બલરામ થાવાણીને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. આ સિવાય કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.