યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
Iran-Israel War Effect: અમદાવાદમાં સામે આવેલી દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, શહેરની જાણીતી કૉલેજ- એલ.ડી.કૉલેજની કેન્ટિનમાં દેશી ચુલા પર રસોઇ બનાવવામાં આવી રહી છે

Iran-Israel War Effect: ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર હવે ધીમે ધીમે શહેરો અને ગામડાઓ સુધી થવા લાગી છે. તાજેતરમાં જ રસોઇ માટેના LPG ગેસ સિલિન્ડરને લઇને લોકોમાં એક પેનિક ઉભુ થયુ છે, તો વળી સરકાર અછત ન હોવાની વાત કરી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે અમદાવાદની જાણીતી કૉલેજમાં LPG ગેસના સિલિન્ડરની અછત વચ્ચે હવે દેસી ચૂલા શરૂ કરવા પડ્યા છે. વિદ્યાર્થીઓ માટે કેન્ટિનમાં રસોઇ દેસી ચૂલા પર બનીને તૈયાર થઇ રહી છે.
ભારતમાં ઠેકઠેકાણે LPG ગેસ સિલિન્ડર લેવા માટે લાંબી લાઇને લાગી રહી છે, અમદાવાદમાં સામે આવેલી દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, શહેરની જાણીતી કૉલેજ- એલ.ડી.કૉલેજની કેન્ટિનમાં દેશી ચુલા પર રસોઇ બનાવવામાં આવી રહી છે. યુદ્ધની અસર રસોડા પર પડી રહી છે. હાલમાં અહીં હોસ્ટેલની ત્રણેય કેન્ટિન પર ગેસ સંકટની અસર છે. કોમર્શિયલ સિલિન્ડરની અછત હોવાથી અને વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે તેથી કેન્ટિનના રસોડામાં લાકડાની મદદથી દેશી ચુલા શરૂ કરવામાં આવ્યા છે. કૉલેજની ત્રણ કેન્ટિનમાં દર મહિને 40 થી વધુ LPG ગેસ સિલિન્ડરની જરૂર પડે છે.
ગુજરાતમાં ગેસના બાટલાની અછત વાળી વાત પર મંત્રી ઋષિકેશ પટેલે શું આપ્યો જવાબ
રાજ્યમાં ગેસની અછતની અટકળો વચ્ચે અને ગભરાટભર્યા માહોલને શાંત કરવા માટે રાજ્યના ઊર્જા અને રસાયણ મંત્રી ઋષિકેશ પટેલે મંગળવારે તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઘરમાં વપરાતા રાંધણ ગેસની કોઈ જ અછત નથી. તેમણે લોકોને ખાતરી આપી છે કે કોઈપણ ઘરનો ચૂલો બુઝાશે નહીં અને સૌને પૂરતો ગેસ મળતો રહેશે.
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નળી વાટે આવતો ગેસ અને રાંધણ ગેસના બાટલાનું વિતરણ નિયમિત રીતે ચાલુ જ છે. વાહનોમાં વપરાતા સીએનજી અને ઘરમાં વપરાતા પીએનજી ગેસમાં કોઈપણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી. સરકારે કાળા બજાર અટકાવવા માટે કડક પગલાં લીધા છે અને કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર આ મામલે સતત એકબીજાના સંપર્કમાં છે. લોકોમાં કોઈ ખોટો ડર કે ગભરાટ ન ફેલાય તે માટે સરકાર પૂરતું ધ્યાન રાખી રહી છે. ધંધાકીય અને વેપારમાં વપરાતા ગેસ અંગે મંત્રીએ ચોખવટ કરી છે કે તેમાં કોઈ મોટો કાપ મૂકાયો નથી, પરંતુ કટોકટીના સમયે અગ્રતા નક્કી કરવામાં આવી છે. આ નિયમ મુજબ સૌથી પહેલાં દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રોને ગેસના બાટલા પૂરા પાડવામાં આવશે. બીજી તરફ, ગેસ વિતરકોના મહામંત્રીએ પણ દાવો કર્યો છે કે ઘરમાં વપરાતા ગેસની કોઈ અછત નથી, પરંતુ અફવાઓના કારણે લોકો ડરી ગયા છે અને મોટા પ્રમાણમાં આગોતરી નોંધણી કરાવી રહ્યા છે. આના લીધે રોજબરોજ ગેસ પહોંચાડવામાં થોડી મુશ્કેલી પડી રહી છે અને 50 ટકા બાટલા ઓછા આવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.






















