અમદાવાદઃ અમદાવાદના ગોતામાં રહેતી 29 વર્ષની યુવતી નિકીતા અગ્રવાલે લોખંડના સળિયા વડે પોતાની સાસુના માથામાં ફટકા મારીને તેની હત્યા કરી નાંખી એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. એમ.કોમ. અને એમબીએ (ફાયનાન્સ) નિકીતાએ પોતાના ગુનાને છૂપાવવા માટે જોરદાર ડ્રામા કર્યો હતો. તેણે રેખાબહેન સાથે શું થયું તેની પોતાને જાણ જ ના હોય એવું નાટક કર્યું હતું. જો કે પતિએ પૂછ્યું નહીં હોવા છતાં તેણે ‘મમ્મીને મેં નાથી મારી’ એમ કહેતાં તેનું પાપ બહાર આવી ગયું હતું.


27 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરકામ બાબતે સાસુ સાથે ઝઘડો થતાં ઉશ્કેરાયેલી નિકીતાએ સળિયો ફટકારીને સાસુની હત્યા કર્યા પછી સાસુ પર કપડુ નાખીને આગ લગાડી દીધી હતી. નીકીતાના સસરા રામનિવાસ અગ્રવાલ કોરોના થયો હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા છે જ્યારે પતિ દીપક રાત્રે આઠ વાગ્યે એક્ટીવા લઈને નજીકના મંદિરે દર્શન કરવા ગયો હતો.

સોસાયટીનાં લોકોએ ઝગડાના અવાજ સાંભળ્યા પછી રામનિવાસ અગ્રવાલને ફોન કર્યો હતો. તેમણે પુત્ર દીપકને ફોન કરીને કહ્યું હતું કે, સોસાયટીમાંથી ફોન આવ્યો હતો કે તારી મમ્મી અને પત્ની વચ્ચે ઝઘડો થયો છે અને મોટેમોટેથી અવાજ આવે છે માટે તુ જલ્દી ઘરે જા.

દીપકે માતા રેખાબહેનને ફોન કરતાં પત્ની નીકીતાએ ફોન ઉપાડયો હતો. નિકીતાએ દીપકને કહ્યું હતું કે, મમ્મીજી મને મારે છે અને અમારા બંને વચ્ચે મારામારી થતાં હું મારા રૂમમાં આવી ગઈ છું. નીકિતાઆ આટલું કહીને ફોન કાપી નાંખ્યો હતો.

દીપકભાઈએ ફરી માતા રેખાબહેનનના ફોન પર ફોન કરતા કીએ ફોન ઉપાડયો ન હતો. નીકિતાને પાંચ કોલ કરવા છતાં તેણે પણ ફોન ઉપાડયા ન હતા. દીપકભાઈ તરત ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે પત્નીને ફોન કરી દરવાજો ખોલવા જણાવતાં તેણે મારા બેડરૂમનો દરવાજો ખુલતો નથી, એમ કહ્યું હતું. દિપકભાઈએ તેમની માતાને ફોન કર્યો પણ તેમણે ફોન ઉપાડયો ન હતો.

દિપકભાઈએ સામેના બ્લોકની પહેલા માળની સીડી પરથી જોવાનો પ્રયાસ કર્યો પણ પડદા હોવાથી ઘરમાં કંઈ દેખાયું ન હતું. બાદમાં લોખંડની સીડી વડે રસોડાની ગેલેરીમાંથી ઘરમાં જઈને જોયું તો માતા બેડરૂમમાં લોહીલુહાણ હાલતમાં પડેલાં હતાં. તેમણે પત્નીનો બેડરૂમનો દરવાજો ખોલી કેમ કંઈ જવાબ આપતી નથી એમ પૂછતાં તેણે ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. દીપકે માતા વિશે કશું કહ્યું નહીં હોવા છતાં નીકિતાએ ‘મમ્મીને મેં નાથી મારી’ એમ કહેતાં દીપકભાઈને શંકા ગઈ હતી. તેમણે આકરી પૂછપરછ કરતાં નીકિતાએ હત્યા કર્યાનું કબૂલી લીધું હતું.