અમદાવાદ: અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.


તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.

મૃતકોના નામ

- આયશાબેન તિરમીજી, પાલડી

- જ્યોતિબેન સિંધી, ખેરાલુ

- અરવિંદભાઈ ભાવસાર, મેમનગર

- નવીનલાલ શાહ, ધોળકા

- આરીફ મન્સુરૂ, વેજલપુર

- લીલાવતીબેન શાહ, વાસણા

- નરેન્દ્રભાઈ શાહ, ધોળકા

- મનુભાઈ ઈશ્વરભાઈ રામી, મેમનગર