અમદાવાદઃ ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ધડાકા થઈ રહ્યા છે. હવે આ કેસમાં હત્યાના તાર પાકિસ્તાન સુધી જતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં  જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ થતાં અનેક ખુલાસા થયા છે.



પોલીસની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ સંગઠનો મુંબઈ, દિલ્લી અને યુપીમાં પણ કટ્ટરવાદી સંગઠન ચલાવતા હોવાની માહિતી બહાર આવી છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું અનુમાન છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હોવાનું અનુમાન છે.



આ સંગઠનના પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ માહિતીના આધારે ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. ધંધુકાની મસ્જિદના મૌલવીની પણ તપાસ શરૂ કરાઈ છે.



ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાનાને હથિયાર આપનાર અઝીમ સમાની પણ પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી હતી. મૌલવીએ હત્યા માટે બંને આરોપીઓને ઉશ્કેર્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કમર ગની ઉસ્માની એક વર્ષથી ષડયંત્ર કરી રહ્યો હતો.



આ હત્યા કેસમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોની સંડોવણીની આશંકા સેવાઈ રહી હતી અને તેના  કારણે સમગ્ર તપાસ ATSને સોંપી દેવામાં આવી છે. મુંબઈનો મૌલાના કમરના પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાનો ઘટસ્ફોટ થયો છે.  



આ  પ્રકરણમાં આરોપીઓને અન્ય ધર્મ વિરૂદ્ધ ભડકાવવા સુધીની વિગતો પોલીસ સામે આવી છે. આરોપીઓએ પાકિસ્તાન સ્થિત સંગઠનના ભડકાવનારાં ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલાનાઓની થયેલી મિટીંગના સંદર્ભમાં હત્યા કરવાનું નક્કી કર્યું હતું. હવે આ જેહાદી ષડયંત્રની સમગ્ર તપાસ ATS કરી રહી છે. આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેકશન શોધવા સાત ટીમ ગુજરાત સરકાર તરફથી રચના કરવામાં આવી.