અમદાવાદઃ અમદાવાદમાં પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. ગયા વરસે કોરોનાના કારણે રથયાત્રા મંદિરની બહાર સમગ્ર શહેરમાં ફરવાના બદલે મંદિર પરિસરમાં જ ફરી હતી. આ વખતે પણ રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.


જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે આજે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવે છે. આજે પૂજન બાદ ત્રણ- ચાર દિવસમાં રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરવામાં આવશે પણ 24 જૂનના રોજ જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય લીધો નથી કે અષાઢી બીજે 12 જુલાઈએ યોજાનારી રથયાત્રા અંગે પણ કોઈ નિર્ણય લીધો નથી.


અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે.  શુક્રવારે અખાત્રીજના દિવસે સવારે સાડા નવ વાગ્યે જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં  ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. થોડાક લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી પણ રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.  24  જૂને થનારી જળયાત્રા યોજવા અંગે પણ હજી નિર્ણય લેવાયો નથી. રાજ્ય સરકારે રથયાત્રા અંગે જણાવ્યું છે કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે.


આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજી આપણા માટે શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ગયા વર્ષે મહામારીને કારણે રથયાત્રા કાઢી શક્યા નથી. આ વર્ષે રથયાત્રા નિકળશે કે નહિ એ કહેવું અત્યારે વહેલું છે. આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે કે, મહામારીમાંથી જલદી મુક્તિ મળે.


ગયા વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલી વાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી.  છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો.