World Cup 2023:ન્યૂઝીલેન્ડને હરાવી ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે આજે સાંજે 6 વાગ્યે ભારતીય ટીમ અમદાવાદ આવશે. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે. ભારતીય ટીમના આગમનને લઈ એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.                   


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાવાની છે ત્યારે અમદાવાદની ફ્લાઇટ્સની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા હતા. અમદાવાદમાં આવતી ફ્લાઇટના ભાવમાં સાત ગણો વધારો થયો હતો.  ડોમેસ્ટિક ફ્લાઈટમાં સાત ગણો વધારો જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં ચાર ગણો વધારો થયો હતો.                    


મુંબઈ હૈદરાબાદ ચેન્નઈથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ભાવમાં પણ વધારો થયો હતો. દિલ્હીથી અમદાવાદ સુધી સામાન્ય દિવસોમાં ફ્લાઇટ્સ ટિકિટની કિંમત 3 થી5 હજાર રૂપિયા હોય છે જે મેચના દિવસે 25 હજાર રૂપિયા થઇ છે. મુંબઇથી અમદાવાદની ફ્લાઇટ ટિકિટની  કિંમત 27000, બેંગલુરુથી અમદાવાદ સામાન્ય દિવસોમાં 5થી8 હજાર કિંમત હોય છે જે મેચના દિવસે 28,000 પહોંચી છે. હૈદરાબાદથી અમદાવાદની ફ્લાઇટ્સ ટિકિટની કિંમત 30 હજાર તો ચેન્નઇથી અમદાવાદ ફ્લાઇટ્સની કિંમત 20 હજાર પર પહોંચી હતી.


ઇન્ટરનેશનલ ફ્લાઈટની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં દુબઇથી અમદાવાદની ફ્લાઇટ્સની ટિકિટની કિંમત 10 થી 15 હજાર હોય છે તે મેચના દિવસે 70 હજાર પર પહોંચી છે. ફાઇનલ મેચના દિવસે કેનેડાની ફ્લાઇટ્સની ટિકિટ  એક લાખથી એક લાખ 80 હજાર પહોંચી છે જે સામાન્ય દિવસોમાં 50 હજારથી એક લાખ રૂપિયા હોય છે. અમેરિકાથી અમદાવાદની ફ્લાઇટની કિંમત 1 લાખથી 2 લાખ અને ન્યૂઝિલેન્ડથી અમદાવાદની ફ્લાઇટ્સની ટિકિટની કિંમત 80,000થી 1.40 લાખ સુધી પહોંચી છે.              


અમદાવાદમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને હોટલો પણ હાઉસફૂલ થઇ ગઇ છે. 3 સ્ટારથી 5 સ્ટાર હોટેલના રૂમો બુક થયા હતા. અમદાવાદમાં 3 થી 5 સ્ટાર હોટેલના 5 હજાર રૂમ્સ ઉપલબ્ધ છે. હોટેલના રૂમમાં ભાડા 50 હજારથી 1 લાખ સુધી પહોંચ્યા હતા. અમદાવાદ સિવાય વડોદરા નડિયાદ આણંદની હોટેલના રૂમ પણ બુક થઈ રહ્યા છે.