ભાવનગર: વલ્લભીપુર તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે. 24 કલાકમાં અત્યાર સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વોર્ડ નબર 1 ફૂલવાડી વિસ્તારમાં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોઠણસમાં પાણી વચ્ચે પસાર થવા રહીશો મજબૂર બન્યા છે.


આમ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રિ-મોન્સુન કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. પાણી નિકાલની કોઈ સુવિધા ન હોવાથી રહીશો પરેશાન છે. ભાવનગરના ખોડીયાર ડેમમાં ભારે વરસાદના કારણે ધસમાતા પાણીના પ્રવાહની આવક શરૂ થઈ છે. ભાવનગર અને ઉપરવાસમાં પડેલા મુસળધાર વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે.



હાલ રાજપરા ખોડીયાર ડેમની સપાટી 25 ફૂટ પર પહોંચી ચૂકી છે. ખોડીયાર ડેમ ઓવરફ્લો થવાથી નજીકના 30થી 40 ગામોને મીઠા પાણીનો પુષ્કળ પ્રમાણમાં ફાયદો થશે. ભાવનગર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે તબાહી બાદ આખરે મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની ઉંઘ ઉડી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે તો ક્યાંક શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે.


 



પરંતુ આજે રજાનો દિવસ હોવાથી મહાનગરપાલિકાના સત્તાધીશ અને અધિકારીઓ બહાર નીકળવાની આળસના કારણે શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ આખરે વિવિધ વિસ્તારોમાં મીડિયાના અહેવાલો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.


ભાવનગરમાં ભારે વરસાદના કારણે નારી ગામે આ અમૃતની ગ્રાન્ટમાંથી બનાવેલ મહાનગરપાલિકાનું સૌથી મોટા તળાવનો પાળો તૂટી ગયો છે. જેના કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તળાવનો પાળો વહેલી સવારથી તૂટી ગયો છે. રૂપિયા 93 લાખના ખર્ચે નારી ગામે તળાવનું નિર્માણ શરૂ છે પરંતુ એ પહેલા જ નબળા પેચિગ વર્ક અને ભ્રષ્ટાચારના ભોરીંગે આ તળાવને પણ ભરખી લીધું છે જેથી અમૂલ્ય પાણીને બચાવવા માટે સ્થાનીકોએ જ જાત મહેનત શરૂ કરી છે.


રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી


Forecast Rain:હવામાન વિભાગે  આગામી પાંચ દિવસ માટે   મહત્વની આગાહી કરી છે. આગામી 24 કલાક રાજ્યમાં  વરસાદનું જોર યથાવત રહેશે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. જોકે પાંચ દિવસ સુધી છુટછવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે જો કે 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આજે રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં આજે અને આવતી કાલે એટલે 24 જુલાઇ સુધી ભારે વરસાદ રહેશે.  24 જુલાઇ સુધી સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ રહેશે. નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

હાલ મોન્સૂન ટ્રફ ડીસા ઉપર હોવાથી  આગામી પાંચ દિવસ છૂટછવાયા વરસાદનું અનુમાન છે. વરસાદની શક્યતાને જોતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આવતી કાલે માટે વરસાદની શક્યતાને જોતા મહેસાણા. બનાસકાંઠા. સાબરકાંઠા. દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આપ્યુ છે. જ્યારે અમદાવાદ. ગાંધીનગર, એવલ્લી,નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial