ભાવનગર: આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના ઉપરવાસ પડેલા ભારે વરસાદ અને ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં 15,340 ક્યુસેક પાણીની આવક અને તેની સામે જાવક શરૂ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ જે વધુ એક વખત 100 ટકા ભરાઈ જતા 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાલીતાણા અને તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
પાલીતાણા તાલુકાના રાજાસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરાયા છે. તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, ગોરખી, લીલીવાવ, તરસરા, તળાજા અને સરતાનપર ગામને એલર્ટ કરાયા છે.
દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યનાં સમગ્ર દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી
એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે માધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ડૉ. એ. કે. દાસ, ડાયરેક્ટર, હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.
મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ
જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાયું છે. વરસાદના કારણે જૂનાગઢમાં નવ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં નીચાણવાળા 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના 35 ગામનો સંપર્ક તૂટ્યો છે. મેંદરડામાં ભારે વરસાદને પગલે જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.
જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.