Bhavnagar News: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર જે પૈસાની લેતી દેતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. યુવરાજ પર આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદી ભાવનગરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલી પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટયૂટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતો હતો. બિપીન ત્રિવેદીના આ પ્રકરણની જાણ ઇન્સ્ટિટયૂટના સંચાલકોને થતા આઠ દિવસ પહેલા જ બીપીન ત્રિવેદીને નોકરી પર ન આવવા માટે જણાવી દેવામાં આવ્યું હતું. પંકજ જોશી જે ઇન્સ્ટિટયૂટના માલિક છે તે ભાવનગર તળાજાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાના જમાઈ હોવાનું જાણવા મળ્યું છે.


 



તો બીજી તરફ વિડિયો વાયરલ કરનાર બિપીન ત્રિવેદી પોલીસની હાથવેંતમાં છે.  ટુંક સમયમાં પોલીસ બિપીન ત્રિવેદીની અટક કરી શકે છે. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ જાડેજા પર પૈસા લીધાનો આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહએ કેટલાક લોકો પાસેથી રૂપિયા લીધા હોવાનો આરોપ લાગતા રાજકારણ ગરમાયું છે. 


ભાવનગરમાં ડમીકાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતાનું નામ સામે આવતા ભૂગર્ભમાં ઉતરી ગયા


ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે હવે રાજકારણ ગરમાયું છે. વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર કૌભાંડને 5 એપ્રિલના રોજ જાહેર કર્યું હતું. જેમાં ભાવનગર એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ દ્વારા 36 લોકો સામે ગુન્હો નોંધી 4 શખ્સને ઝડપી લીધા છે. કુલ 36 આરોપીઓ પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના છે તો અન્ય બોટાદ અને ગાંધીનગરના હોવાનું ખુલ્લું છે. 


હવે આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતાની પણ સંડોવણી હોવાની વાત સામે આવી છે. આમ આદમી પાર્ટીના આગેવાન રમણિક જાની નામના શખ્સ વિરુદ્ધ પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. સિહોરના રબારીકા ગામે રહેતા અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો રમણિક જાની ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


તમને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા ડમીકાંડ મામલે શરદ કુમાર પનોત, પ્રકાશ ઓર પી.કે દવે, પ્રદિપ અને બળદેવની નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. 2012 થી 2023 સુધી પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસાડીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.


યુવરાજસિંહ જાડેજા પર પણ ગંભીર આક્ષેપ 


બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે. બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, યુવરાજસિંહે ડમીકાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રુપિયા લીધા છે. જોકે, આ વીડિયોની પુષ્ટી એબીપી અસ્મિતા કરતું નથી. આ ઉપરાંત ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના આગેવાનની પણ સંડોવણી હોવાની વાત સામે આવી છે.