Gujarat Rain:  રાજ્યમાં આજે પણ ઘણા વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે,. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી,જામનગર અને જેતપુર વિસ્તારમાં વરસાદ પડ્યો છે.  ભાવનગરના મહુવા તાલુકામાં 2 કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મુખ્ય બજાર અને નીચાણ વાળા વિસ્તારમાં વરસાદનાં પાણી એકઠા થયા હતા. મહુવાનાં તરેડ, બોરડી, સેદરડા, ક્લેલા, સરેરા,  બિલા, બાબરિયાધાર, વિજપડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો છે.


 



આ ઉપરાંત ભાવનગરનાં ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજપરા ખોડિયાર મંદીર પર નદીની માફક પાણી વહેતા થયા છે. રાજપરા, ખાખરીયા, શામપરા, ભોજપરા સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરુ થયો હતો.


અમરેલી જીલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો


તો બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધારી તેમજ ચલાલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ચલાલા, ગોપાલગ્રામ, જર, મોરઝર, દહીંડા, માણાંવાવ સહીત ગામોમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા. ગોપાલગ્રામ ગામની સ્થાનિક  નદીઓમાઁ પૂર આવ્યું હતું. અમરેલી ચલાલા હાઇવે પર માળીલા ગામ નજીક રોડ પર પાણી ફરી વળ્યાં હતા. ખેતરોમાં જાણે નદિઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.


 



વડીયા શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર ગોઠણસમાં પાણી વહેતા થયા હતા. વડીયા pgvcl રોડ અને પેટ્રોલપમ્પ પર નદીની માફક પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદને પગલે ગોઠણસમાં પાણી વહેતા થતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી.  સવારથી જ આ વિસ્તારમાં ધીમિધારે વરસાદ પડી રહ્યો છે. બપોરબાદ ધોધમાર વરસાદ શરુ થયો હતો. વડીયા, હનુમાન ખીજડિયા, ખાન ખીજડિયા, તોરી, રામપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.


જેતપુર શહેર તાલુકા ધોધમાર વરસાદ


જેતપુરથી રબારીકા જવાનાં નેશનલ હાઇવે ઓથેરેટીનું આખું ગળનાળું આખુ પાણીમા ગરકાવ થયું છે. જેતપુર શહેરના રબારીકા ચોકડી પાસે ગળનાળામાં પાણી ભરાતા ગામડે જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. શહેરના રબારીકા રોડ ઉપર 500 જેટલા કારખાનાઓ આવેલા છે. ગળનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રબારીકા, મેવાસા, જાંબુડી, જામકંડોરણા સહિતના ગામોને જોડતો રસ્તો બંધ થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોને નેશનલ હાઇવે પર રોંગ સાઈડમાં જીવના જોખમે પસાર થવું પડે છે. અંડરપાસનો મુદ્દો વર્ષોથી ટલ્લે ચડ્યો છે. સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


 



જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ 


 જામનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાલપુર તાલુકાના સેવક ઘૂણીયા,  નાનીરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામજોધપુરના બોરિયા તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. જામજોધપુરના મંદાસણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  ખંભાળીયાના આહેર સિંહણમાં  પણ ધોધમાર વરસાદ પડ્યો છે.