ભાવનગર: તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલ પ્રાથમિક શાળા અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં વિદ્યાર્થીઓ જીવના જોખમ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના ક્લાસ રૂમમાં સ્લેબ તૂટી ગયો હોવાથી વરસાદનું પાણી પણ પડી રહ્યું છે અને ઉનાળા દરમિયાન બાળકો બહાર તડકામાં બેઠીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, શિક્ષણની કથળેલી વ્યવસ્થાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.




બાળકના ઘડતરનો પાયો પ્રાથમિક શિક્ષણ હોય છે પરંતુ ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ જ ખોરવાયું છે. તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલ પ્રાથમિક શાળા છેલ્લા પાંચ વર્ષથી જર્જરીત બની છે. ચાલુ ટર્મનાં સરપંચ અને આચાર્ય દ્વારા નવા ક્લાસરૂમ બનાવવા માટે મુખ્યમંત્રી, રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી, ભાવનગર ડીપીઓને અનેક રજૂઆત કરી છે છતાં પણ શાળાની સ્થિતિ સુધરી નથી. ભારોલી ગામની પ્રાથમિક શાળાની હાલત એટલી ખરાબ બની છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના બને તો અનેક વિદ્યાર્થીઓ દબાઈ તેમ છે. અનેક જગ્યાએથી ક્લાસરૂમમાં છત પરના પોપડા પડી ગયા છે. ભારોલી પ્રાથમિક શાળામાં અંદાજે 150 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે તાકીદે નવા ક્લાસરૂમ ઊભા કરવામાં આવે નહીંતર આવનારી વિધાનસભામાં મતનો બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી છે.


ભારોલી પ્રાથમિક શાળાના હાલ કુલ ચાર ક્લાસ રૂમ ચાલે છે જેમાં તમામ ઓરડાઓ જર્જરીત સાથે ખંઢેર બની ગયાં છે. ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકો એકમાત્ર એવો તાલુકો છે કે જ્યાં કોંગ્રેસની વિધાનસભા સીટ આવે છે માટે પણ શાળાનું ડેવલોપમેન્ટ થતું ન હોય તેવું લાગી રહ્યું છે. તળાજાના કોંગ્રેસનાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા અનેક વખત જર્જરીત શાળાને લઈ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય છે. કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય ત્યારે જિલ્લાના શાળાની સ્થિતિ સૌથી સારી હોવી જોઈએ પરંતુ કમનસીબે જિલ્લામાં શાળાની સ્થિતિઓ દિવસેને દિવસે બીમાર બની રહી છે. જોકે આમ આદમી પાર્ટીના ડેપ્યુટી સી.એમ મનીષ સિસોદિયા પણ ભાવનગરની મુલાકાત લઈ ચૂક્યા છે અને કેબિનેટ શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ જર્જરીત શાળા સામે ભાજપ સરકારને આઈનો બતાવ્યો હતો.


આવનારા દિવસોમાં ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે


ગામમાં આવેલ ભારોલી પ્રાથમિક શાળામાં કુલ સાત રૂમની જરૂર છે એને બદલે માત્ર ચાર રૂમમાં બાળકોનો સમાવેશ કરી બે પાળી ચલાવવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીપીઓને આ બાબતે abp asmita દ્વારા સવાલ કરતા તેમને જણાવ્યું હતું કે તમામ ઓરડાઓ ટેન્ડર પ્રક્રિયામાં છે. આવનારા દિવસોમાં ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી બાહેધરી આપી છે. જોકે હજી સુધી અનેક રજૂઆતો જર્જરિત શાળાને લઈને કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી શાળાના સમારકામ અંગે કોઈ પ્રક્રિયા હાથ ધરી નથી.