Bhavnagar: ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે હવે રાજકારણ ગરમાયું છે. વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર કૌભાંડને 5 એપ્રિલના રોજ જાહેર કર્યું હતું. જેમાં ભાવનગર એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ દ્વારા 36 લોકો સામે ગુન્હો નોંધી 4 શખ્સને ઝડપી લીધા છે. કુલ 36 આરોપીઓ પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના છે તો અન્ય બોટાદ અને ગાંધીનગરના હોવાનું ખુલ્લું છે.
હવે આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતાની પણ સંડોવણી હોવાની વાત સામે આવી છે. આમ આદમી પાર્ટીના આગેવાન રમણિક જાની નામના શખ્સ વિરુદ્ધ પણ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. સિહોરના રબારીકા ગામે રહેતા અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો રમણિક જાની ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
તમને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા ડમીકાંડ મામલે શરદ કુમાર પનોત, પ્રકાશ ઓર પી.કે દવે, પ્રદિપ અને બળદેવની નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. 2012 થી 2023 સુધી પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસાડીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
યુવરાજસિંહ જાડેજા પર પણ ગંભીર આક્ષેપ
બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે. બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, યુવરાજસિંહે ડમીકાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રુપિયા લીધા છે. જોકે, આ વીડિયોની પુષ્ટી એબીપી અસ્મિતા કરતું નથી. આ ઉપરાંત ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના આગેવાનની પણ સંડોવણી હોવાની વાત સામે આવી છે.
પ્રદીપ બારૈયાનું પણ ફરિયાદમાં નામ
ડમીકાંડમાં જે આરોપી પકડાયા છે તેમાં 4 પૈકી 3 આરોપી સરકારી કર્મચારી છે. આરોપી શરદ પનોત કોબડી પ્રાથમિક શાળામાં શિક્ષક છે. આરોપી પ્રકાશ દવે તળાજા BRC શાળામાં ફરજ બજાવે છે. આરોપી પ્રદીપ બારૈયા જેસર કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. બળદેવ રાઠોડ ડોક્યુમેન્ટનું એડીટિંગ કરતો હતો. તમને જણાવી દઈએ કે, ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકમાં શૈક્ષણિક બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિધાર્થીઓને બેસાડી ચલાવવામાં આવતા કૌભાંડ સામે 36 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લીલા સર્કલ પાસે મોહનતીર્થ સોસાયટીમાં રહેતો અને જેસર કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો પ્રદીપ બારૈયાનું પણ ફરિયાદમાં નામ છે.