ભાજપનું લોટસ ઓપરેશન યથાવત છે. વધુ એક નેતાએ આજે ઘર વાપસી કરી છે. વ્યારા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે આમ આદમી પાર્ટીને રામ રામ કહી દીધા છે અને આજે તેમણે કેસરિયા કર્યાં છે. તેઓ આજે આપ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. બિપિન ચૌધરી એ આપ પક્ષ માંથી રાજીનામું આપ્યા બાદ આજે સુરત ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.
અગાઉ બિપિન ચૌધરી તાપી જિલ્લા ભાજપના સંગઠન પ્રમુખ હતા, આ સમયે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેઓ આમ આદમી પક્ષમાં માં જોડાયા હતા અને વ્યારા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા, જો કે તેમને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. આજે આમ આદમી પાર્ટી છોડીને ફરી ભાજપમાં ઘર વાપસી કરી છે. સુરતમાં બિપિન ચોધરીની વેલકમ પાર્ટીમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલ, તાપી ના ધારાસભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. એક પછી એક ધારાસભ્યો સહિતના હોદ્દેદારો રાજીનામું આપી રહ્યા છે. લોકસભાની પાર્ટી પહેલા સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંગઠન તૂટી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી બિપિન ચૌધરીએ પણ આમ આદમી પાર્ટીથી છેડો ફાડી નાખ્યો છે અને ભાજપમાં જાડાયા છે. તેમણે રાજીનામા માટેના કારણો પણ રજૂ કર્યાં હતા. કોંગ્રેસ સાથેનું ગઠબંધનને તેમણે રાજીનામનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
તો બીજી માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. બુધવારે અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. અધ્યક્ષે રાજીનામાનો સ્વીકાર કર્યો છે. રાજીનામું આપનારા લાડાણી કોંગ્રેસના ચોથા ધારાસભ્ય બન્યા છે. રાહુલ ગાંધીની યાત્રા સમયે જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 13 થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં પંજાને આ પાંચમો ફટકો લાગ્યો છે. સોમવારે અર્જુન મોઢવાડિયા અને અમરિશ ડેરે રાજીનામું આપ્યું હતું. અરવિંદ લાડાણી છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં છે.