Airport Bomb Threat:દિલ્હીથી પુણે જતી વિસ્તારા એરલાઇનમાં બોમ્બ હોવાની ધમકી મળતાં દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. ફ્લાઇટમાંથી મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને ફ્લાઇટની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જો કે કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હોવાથી એરપોર્ટ મેનેજમેન્ટ અને ફ્લાઇટસના કર્મીઓ સહિત પેસેન્જર્સે રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ એક ફેક કોલ આવ્યો હતો. દિલ્હી પોલીસે કેસ નોંધી તપાસ હાથ ઘરી છે.                             


સવારે 8.53 કલાકે ધમકીભર્યો કોલ આવ્યો હતો


મળતી માહિતી અનુસાર, GMR કોલ સેન્ટરમાં શુક્રવારે સવારે 8.53 વાગ્યે વિસ્તારા એરલાઇનમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો. આ પછી તરત જ તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને વિમાનને આઈસોલેશન પ્લેસમાં લઈ જવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વિમાનની અંદર અને બહારથી સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ વિસ્ફોટક સામગ્રી મળી ન હતી.                                     


હોક્સ કોલની  તપાસ શરૂ થઈ


દીલ્હી પોલીસના જણાવ્યા અનુસાર વિમાનમાંથી કોઈ વિસ્ફોટક વસ્તુ મળી નથી અને સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે. આ એક સંપૂર્ણ હોક્સ  કોલ હતો પરંતુ કેસ નોંધ્યા બાદ કોલ કરનારની તપાસ શરૂ  કરવામાં આવી છે. હાલ પોલીસે ખોટી માહિતી શેર કરવાનો કેસ નોંધ્યો છે. જીએમઆર કોલ સેન્ટરના કોલિંગ ડેટા પરથી કોલ કરનારની ઓળખ કરવામાં આવી રહી છે.                                                     


દિલ્હીમાં બોમ્બની અફવા


દિલ્હીની શાળાઓમાં બોમ્બ હોવાની અફવા ભૂતકાળમાં પણ વારંવાર મળી હતી. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો દિલ્હી પોલીસના હોક્સ કોલિંગના લગભગ અડધો ડઝન કેસ સામે આવ્યા છે. જોકે, એરપોર્ટ પર બોમ્બની અફવા બાદ પોલીસ અને સુરક્ષા દળોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બાબતે તપાસ ચાલુ છે.