VAT On Petrol-Diesel: ગ્રાહકોને રાહત આપવા માટે દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પેટ્રોલ અને ડીઝલ પરના વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં ઘટાડો કર્યો છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ અને ડીઝલ પરની કેન્દ્રીય આબકારી જકાતમાં ઘટાડો કર્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને વેટ ઘટાડવાની અપીલ કરી હતી. જે બાદ ઘણા રાજ્યોએ પગલા લીધા અને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો. જે રાજ્યોએ પેટ્રોલ અથવા ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી છે તેમાંથી મોટાભાગના રાજ્યોમાં કાં તો ભાજપ અથવા તેના સાથી પક્ષોનું શાસન છે.


કયા રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નથી


પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું કે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો નથી. જે રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો નથી તેમાં મહારાષ્ટ્ર, દિલ્હી NCT, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.


વેટ ઘટાડા પછી કિંમતોમાં ઘટાડો થયો


કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનુક્રમે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કર્યા બાદ પંજાબમાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. પંજાબમાં પેટ્રોલની કિંમતમાં 16.02 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે, ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં 13.43 રૂપિયા અને કર્ણાટકમાં 13.35 રૂપિયાનો ઘટાડો થયો છે.


આંદામાન અને નિકોબારમાં સૌથી સસ્તું પેટ્રોલ


આંદામાન અને નિકોબારના ગ્રાહકોને દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી રહ્યું છે, જ્યારે ઇટાનગરમાં 92.02 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળી રહ્યું છે. જયપુરમાં પેટ્રોલની કિંમત 117.45 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે મુંબઈના ગ્રાહકોને તે 115.85 રૂપિયામાં મળી રહ્યું છે. ડીઝલ માટે, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પ્રતિ લિટર 19.61 રૂપિયાનો મહત્તમ ઘટાડો જોવા મળ્યો છે, ત્યારબાદ કર્ણાટકમાં 19.49 રૂપિયા અને પુડુચેરીમાં 19.08 રૂપિયાનો ઘટાડો થયો છે.