5G Services Rollout soon: ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટર ટ્રાય (TRAI) એ 5જી (5G) સેવા શરૂ કરવા માટે સ્પેક્ટ્રમની હરાજી માટેની મૂળ કિંમત અંગે સરકારને તેની ભલામણો સબમિટ કરી છે. ટ્રાઈએ 5G સ્પેક્ટ્રમની અનામત કિંમતમાં 39 ટકાનો ઘટાડો સૂચવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરે રૂ. 7.5 લાખ કરોડમાં 1 લાખ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની હરાજી માટે ભલામણો સબમિટ કરી છે. જે 30 વર્ષ માટે રહેશે. જો સરકાર ટેલિકોમ કંપનીઓને 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ ફાળવે છે, તો સરકારને બિડિંગ દ્વારા 5.07 લાખ કરોડ રૂપિયા મળશે.
અનામત કિંમત ઘટાડવાનો અર્થ શું છે?
દેશની ટેલિકોમ કંપનીઓએ સરકારને પહેલેથી જ સંકેત આપ્યો હતો કે જો 5G સ્પેક્ટ્રમની કિંમતો ઊંચી રાખવામાં આવશે તો તેઓ બિડિંગમાં ભાગ લઈ શકશે નહીં. સરકારે છેલ્લા બે વખત સ્પેક્ટ્રમ વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્પેક્ટ્રમની અનામત કિંમત ઘણી ઊંચી રાખવામાં આવી હોવાથી ખરીદનાર મળી શક્યો ન હતો. આ વખતે, TRAIએ 2018ની ભલામણોની સરખામણીમાં તમામ બેન્ડમાં સ્પેક્ટ્રમના ભાવ નીચા રાખ્યા છે. ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ કહ્યું છે કે 5G સ્પેક્ટ્રમ અંગે સબમિટ કરવામાં આવેલી ભલામણો સાવચેતીપૂર્વક વિચાર-વિમર્શ અને હિતધારકો સાથે ઘણી ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવી છે.
3300 - 3670 MHz ના 5G પ્રાઇમ ફ્રિકવન્સી સ્પેક્ટ્રમની અનામત કિંમત રૂ. 317 કરોડ પ્રતિ MHz રાખવામાં આવી છે, જે TRAIની અગાઉની ભલામણો કરતાં 35 ટકા ઓછી છે.
કંપનીઓએ નીચા ભાવ રાખવાની માંગ કરી હતી
દેશના ટેલિકોમ ઓપરેટરોએ ટ્રાઈને વાજબી સ્પેક્ટ્રમ કિંમતો નક્કી કરવા કહ્યું હતું. આ ઓપરેટરોએ સંકેત આપ્યો હતો કે જો સ્પેક્ટ્રમના ભાવ નીચા રાખવામાં નહીં આવે તો સ્પેક્ટ્રમનું વેચાણ નહીં થાય. દેશની સૌથી જૂની અને સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલના ચેરમેને અગાઉ સ્પેક્ટ્રમની "યોગ્ય" કિંમત નક્કી કરવાની માંગ કરી હતી. ટેલિકોમ કંપનીઓની સંસ્થા COAI એ પણ આગ્રહ કર્યો હતો કે સ્પેક્ટ્રમની કિંમતો બજારની પરિસ્થિતિઓને અનુરૂપ રાખવી જોઈએ કારણ કે શરૂઆતમાં જ 5Gમાં ઘણી મૂડીનું રોકાણ કરવામાં આવે છે. સ્પેક્ટ્રમના ઊંચા ભાવ ઓપરેટરોને દૂર રાખવા માટે કામ કરશે.
5G મોબાઇલ સેવાને સસ્તી રાખવામાં મદદ કરશે
જો કે, TRAI દ્વારા 5G સ્પેક્ટ્રમ અંગે સબમિટ કરાયેલી ભલામણોને પગલે, વર્તમાન નાણાકીય વર્ષ 2022-23માં સ્પેક્ટ્રમ બિડિંગ આમંત્રિત કરવામાં આવશે, જેથી દેશમાં વહેલામાં વહેલી તકે 5G મોબાઇલ સેવા શરૂ કરી શકાય. સૌથી મોટી વાત એ છે કે સ્પેક્ટ્રમની કિંમત નિશ્ચિત રાખવાથી સરકારને વધુ આવક થશે, તો તે ટેલિકોમ ઓપરેટરોને 5G સેવા સાથે વધુ ગ્રાહકો ઉમેરવામાં પણ મદદ કરશે અને 5G મોબાઇલ સેવાને સસ્તું રાખવામાં આવશે.