7th Pay Commission DA hike: કેન્દ્ર સરકારે પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ વધારા સાથે હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરોનું મોંઘવારી રાહત (DR) હાલના ૫૩ ટકાથી વધીને ૫૫ ટકા થઈ જશે. આ વધારો ૭મા પગાર પંચની ભલામણો અનુસાર કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી દેશના કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે. અગાઉ, મોંઘવારી ભથ્થામાં છેલ્લો વધારો જુલાઈ ૨૦૨૪માં કરવામાં આવ્યો હતો, જ્યારે તેને ૫૦ ટકાથી વધારીને ૫૩ ટકા કરવામાં આવ્યું હતું. હવે ફરીથી ૨ ટકાનો વધારો થવાથી કર્મચારીઓના મૂળ પગારમાં વધુ ૨ ટકા મોંઘવારી ભથ્થું ઉમેરાશે. સરકાર દ્વારા આ વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલી ગણવામાં આવશે.

આ વધારાથી કર્મચારીઓના પગારમાં કેટલો ફરક પડશે તે અંગે વાત કરીએ તો, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ૫૦ હજાર રૂપિયા હોય, તો ૫૩ ટકા DA મુજબ તેને ૨૬,૫૦૦ રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું, પરંતુ હવે ૫૫ ટકા DA અનુસાર તેને ૨૭,૫૦૦ રૂપિયા મળશે. એટલે કે તેના પગારમાં સીધો ૧૦૦૦ રૂપિયાનો વધારો થશે. એ જ રીતે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ૭૦ હજાર રૂપિયા હોય, તો તેને ૫૩ ટકાના દરે ૩૭,૧૦૦ રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું, જે હવે ૫૫ ટકાના દરે ૩૮,૫૦૦ રૂપિયા થશે, એટલે કે તેના પગારમાં ૧,૪૦૦ રૂપિયાનો વધારો થશે. જે કર્મચારીઓનો મૂળ પગાર ૧ લાખ રૂપિયા છે, તેમને ૫૩ ટકા DAના દરે ૫૩,૦૦૦ રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું, પરંતુ હવે તેમને ૫૫ ટકાના દરે ૫૫,૦૦૦ રૂપિયા મળશે, એટલે કે તેમના પગારમાં માસિક ૨,૦૦૦ રૂપિયાનો વધારો થશે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ભથ્થામાં સામાન્ય રીતે ૩ થી ૪ ટકાનો વધારો જોવા મળતો હતો, પરંતુ ૭૮ મહિના એટલે કે ૬.૬ વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે DAમાં માત્ર ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ ૨૦૧૮માં મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો થયો હતો. ત્યારથી સતત ૩ અથવા ૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.